વૈશ્વિક બજારો અને આર્થિક મોરચે પ્રોત્સાહક અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૧૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૬૮૪.૭૯ સામે ૫૭૭૮૧.૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૬૮૦.૪૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૩૩.૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૭૬.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૪૬૧.૨૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૨૧.૯૦ સામે ૧૭૨૦૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૧૭૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૪.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧૮.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૪૩૯.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. વિશ્વને હચમચાવનારા કોરોના વાઈરસના નવા ઓમિક્રોન સ્વરૂપને લઈ વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત આજે ભારતીય શેરબજારમાં ભારતના આર્થિક વૃદ્વિ – જીડીપીના ૮.૫% પ્રોત્સાહક આંક તેમજ નવેમ્બર ૨૦૨૧ મહિનામાં જીએસટી એક્ત્રિકરણ રેકોર્ડ રૂ.૧.૩ લાખ કરોડ થતાં દેશમાં આર્થિક વિકાસ વેગ પકડી રહ્યાના અને આગામી દિવસોમાં પણ વૃદ્વિ જળવાઈ રહેવાની અપેક્ષાએ ફંડોએ શેરોમાં ફરી આક્રમક તેજી કરી સેન્સેક્સને ૫૭૦૦૦ની સપાટી સપાટી પાર કરાવી હતી. મોંઘવારી – ફુગાવાના માર વચ્ચે ફંડો, મહારથીઓએ ઈન્ડેક્સ મેનેજ કરીને યુટિલિટીઝ, પાવર, આઈટી -સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ફ્રન્ટલાઈન શેરો તેમજ ઓઇલ એન્ડ ગેસ, મેટલ શેરોમાં પસંદગીની તેજી કરીને આજે ભારતીય શેરબજારમાં તેજી કરી હતી.

વૈશ્વિક મોરચે કોરોનાનો નવો વેરીએન્ટ ઓમિક્રોન જર્મની, કોરિયા સહિતના દેશોમાં ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલો અને અમેરિકામાં બોન્ડ ટેપરીંગ વહેલું કરવાના જેરોમ પોવેલના નિવેદન વચ્ચે ફુગાવા – મોંઘવારીનું પરિબળ સતત જોખમી બની રહ્યું હોઈ આગામી દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર પર મોટી નેગેટીવ અસરની શકયતા વચ્ચે એક તરફ વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારમાં સતત વેચવાલ બની રહ્યા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં ખરીદી ચાલુ રાખતા આજે ભારતીય શેરબજાર દિવસની ઊંચાઈએ બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, પાવર, આઇટી, ટેક, ઓઇલ એન્ડ ગેસ અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૦૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૬૫ અને વધનારની સંખ્યા ૨૧૮૫ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાના કાળમાં અમેરિકન અર્થતંત્રને ટેકો પૂરો પાડવા તેની કેન્દ્રીય બેન્કે મહિને ૧૨૦ અબજ ડોલરના બોન્ડ ખરીદી કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેમાં હવે કાપ મૂકવાની હિલચાલ શરૂ થઈ છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા એસેટ ખરીદી કાર્યક્રમ અગાઉ રજુ કરાયેલી અપેક્ષા કરતા થોડાક મહિના વહેલો સમેટી લેવા પર વિચારણા કરવી યોગ્ય ગણાશે એમ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું. ફેડરલ રિઝર્વ દ્વારા ટેપરિંગ વહેલું કરવાની કોઈપણ જાહેરાત ભારતીય શેરબજાર માટે જોખમી સાબિત થઈ શકે છે. નવેમ્બરના પ્રારંભમાં ફેડરલ રિઝર્વે એસેટ ખરીદી કાર્યક્રમ ૨૦૨૨ના મધ્ય સુધીમાં પૂરો થાય તે રીતે સમયપત્રક ગોઠવી રહ્યું છે.

એક તરફ ઓમિક્રોનને કારણે અર્થતંત્રમાં રિકવરી ખોરવાઈ જવાનો ભય રહેલો છે ત્યારે ફેડરલ રિઝર્વ દ્વારા વહેલું ટેપરિંગ હાથ ધરાશે તો ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં રોકાણકારોનું માનસ ખરડાઇ શકે છે. સ્થાનિક સ્તરે પણ રિટેલ ફુગાવામાં વધારાને કારણે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી નાણાં વર્ષથી નાણાં નીતિને સખત બનાવવાનું શરૂ કરે તેવી ધારણાં છે. આગામી મળનારી બેઠકમાં રિઝર્વ બેન્ક રેપો રેટ જાળવી રાખશે તેવી અપેક્ષા છે, પરંતુ વર્ષ ૨૦૨૨માં રિઝર્વ બેન્ક રેપો રેટમાં અંદાજીત ૭૫ બેઝિસ પોઈન્ટનો વધારો કરે તેવી શકયતા જોવાઈ રહી છે. જોકે પહેલા લિક્વિડિટીને સખત બનાવવાના પગલાં હાથ ધરાશે.

Share Now