અભય ભારદ્વાજને રાજ્યસભાની ટિકિટ એટલે વિજય રૂપાણી સરકારને અભય વચન!

121

અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર કરતાં તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પસંદ કરેલા ઉમેદવાર છે. ગુજરાતમાં હવે અમિત શાહ અને રૂપાણી ભાજપના તમામ નિર્ણયો લઈ રહ્યાં છે. તે વારંવાર સાબિત થયું છે.બીજી બાજુ વારંવાર એવી અફવા વારંવાર ફેલાતી રહી છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાની સાથે રહેવામાં નિષ્ફળ રહ્યા છે, તેથી તેમને બદલવામાં આવશે. જોકે, અભય ભારદ્વાજની પસંદગીથી એવો મેસેજ આપવામાં આવી રહ્યો છે કે તેઓ બળવાન બની રહ્યાં છે.

રાજકોટના અભય ભારદ્વાજ પોતે વિજય રૂપાણીના માણસ છે. તેથી તેમને ટિકિટ અપાવવા માટે સફળ રહ્યાં છે. ભાજપના સૂત્રો એવું કહે છે કે ભારદ્વાજ બ્રાહ્મણ હોવાથી તેમને ટિકિટ આપી છે. જો કે તેની સામે એવી દલીલ કરાઇ રહી છે કે બ્રાહ્મણને જ ટિકિટ આપવી હોય તો ભારદ્વાજ કરતાં ઘણાં મોટા બ્રાહ્મણ નેતાઓ ભાજપ પાસે હતા. રાજકોટના કમલેશ જોષીપુરા, જયનારાયણ વ્યાસ, મહેન્દ્ર ત્રિવેદી અને હરિન પાઠકને કેમ ટિકિટ ન આપી ? એટલે પાર્ટી સીધો મેસેજ આપવા માગે છે કે હાલમાં ગુજરાતમાં વિજય રૂપાણી જે નિર્ણય લેશે તે જ માન્ય રખાશે. આ ઉપરાંત બીજા બ્રાહ્રણ નેતાઓને પાર્ટીએ ઘણું આપ્યું છે એટલે નવાને ચાન્સ આપી રહ્યા છે.

આ ઉપરાંત એવી પણ વાત આવી હતી કે આ વખતે સૌરાષ્ટ્રમાંથી ઠક્કર અને રાજપુતને ટિકિટ આપવાનું નક્કી હતું.મહેન્દ્ર મશરૂ, પ્રવિણ કોટક કે સૌરાષ્ટ્રમાંથી કિરીટ રાણાને ટિકિટ નક્કી હતી.મુખ્ય પ્રધાને તો કિરીટસિંહને ટિકિટ આપવાનું વચન પણ આપ્યું હતું.પરંતુ અભય ભારદ્વાજ જેવા ઓછા જાણીતા વ્યક્તિને ટિકિટ આપીને પાર્ટીએ સાબિત કર્યું છે કે હાલ પૂરતું તો વિજય રૂપાણી વિરોધી જૂથ ભલે કેટલાય ધમપછાડા કરે પરંતુ રૂપાણી ઉપર દિલ્હીનો હાથ આજેય છે.તેમને હાલ પૂરતી કોઇ તકલીફ નથી.જોકે, રાજકારણમાં ક્યારે પાસા પલટાઇ જાય તે પણ એક સત્ય છે.

Share Now