લ્યો બોલો! દંપતિએ બાળકોનાં નામ કોરોના-કોવિડ રાખ્યાં

77

રાયપુરઃ કોરોના વાયરસના સંકટ સામે આખી દુનિયા લડી રહી છે, કોરોના વાયરસનું નામ સાંભળતા જ લોકોમાં ડર પેદા થઈ જાય છે. તો છત્તિસગઢના એક કપલે લોકડાઉન વચ્ચે જન્મેલા પોતાના જુડવા બાળકોનું નામ “કોરોના” અને “કોવિડ” રાખ્યું છે.

27 માર્ચના રોજ આંબેડકર હોસ્પિટલમાં એક મહિલાએ ટ્વીન્સ બેબીને જન્મ આપ્યો. આમાંથી એક બેબી બોય છે અને એક બેબી ગર્લ છે. લોકોના મનમાંથી કોરોનાના ડરને ઓછો કરવા માટે આ દંપતિએ પોતાના બંન્ને બાળકોનું નામ કોરોના અને કોવિડ રાખી દીધું. તેમણે કહ્યું કે, આ નામ તેમને લોકડાઉન દરમિયાન પડેલી તકલીફોની અને સંકટની યાદ અપાવશે.

જો કે પરિવારે કહ્યું કે, બાદમાં અમે બાળકોનું નામ બદલી પણ શકીએ છીએ. નવજાત બાળકોની 27 વર્ષિય માતા પ્રીતિએ કહ્યું કે, મને જુડવા બાળકોના આશિર્વાદ મળ્યા છે. લોકડાઉનના કારણે પડેલી તકલીફોને હું અને મારા પતિ યાદગાર બનાવવા ઈચ્છતા હતા. એટલા માટે અમે બાળકોનું નામ કોવિડ અને કોરોના રાખ્યું છે.

Share Now