વલસાડ જિલ્લામાં 17 લાખની વસ્તી સામે રોજ માત્ર 50 સેમ્પલનું ટેસ્ટિંગ

227

વલસાડ,16 જૂન : વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે પરંતું હજી જો સેમ્પલની સંખ્યા વધારવામાં આવે તો આંકડો વધુ ચોંકાવનારો હોય શકે તેમ છે.જિલ્લાના 6 તાલુકામાં 17 લાખની વસ્તી સામે દરરોજ સરેરશ માત્ર 30 થી 50 સેમ્પલો લેવામાં આવતા હોવાનું નજરે પડી રહ્યુ છે.જેના કારણે પણ પોઝિટિવ કેસો સપાટી પર આવતાં ન હોવાનું જણાય રહ્યું છે.આરોગ્ય વિભાગની જિલ્લામા સેમ્પલ ટેસ્ટ કરવામાં ઢીલ વર્તાઇ રહી હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે.
સેમ્પલ વધારવાની અનિવાર્યતા સામે આરોગ્ય વિભાગની ઢીલ સામે આવી રહી છે. વલસાડ જિલ્લામાં 31 મેના રોજ સેમ્પલોની સંખ્યા 3583 હતી જેમાં 3535 સેમ્પલો નેગેટિવ હતા.જ્યારે 1 જૂને સેમ્પલોની સંખ્યા 3607 હતી,જેમાં નેગેટિવ 3564 આવ્યા હતા.31 મેથી 12 જૂન સુધીમાં આરોગ્ય વિભાગે 712 સેમ્પલ લઇને ટેસ્ટ કરાવ્યા છે.જે જોતાં દરરોજ સરેરાશ 30 થી 50 સુધીની સંખ્યામાં સેમ્પલો લેવાતા હોવાનું જણાયું છે.જિલ્લામાં આટલી મોટી વસતીમાં સેમ્પલો કલેકટર કરવાની કામગીરી ખુબ ઓછાં પ્રમાણમાં થઇ રહેલી જોવા મળી રહી છે.જેના કારણે પોઝિટિવ દર્દીઓ કેટલા છે તે કહી શકાય તેમ નથી.જેના કારણે ધીમે ધીમે સંક્રમણના કેસો વધી રહ્યા છે.સેમ્પલ લેવા તથા ટેસ્ટની પ્રક્રિયા ઝડપી અને વધૂમાં વધુ સેમ્પલો એકત્ર કરાવવામાં જિલ્લા આરોગ્ય તંત્રનો પનો ટૂંકો પડી રહ્યો છે.

વલસાડ જિલ્લામાં આવેલા તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પીએચસી,સીએચસી કેન્દ્રો તથા શહેરી વિસ્તારોમાં અર્બન હેલ્થ સેન્ટરો દ્વારા,તાલુકા હેલ્થ સેન્ટરો દ્વારા સેમ્પલો એકત્ર કરાવવાનાં આયોજન પર ભાર મૂકવામાં ઢીલ થતાં જિલ્લામાં સંક્રમણનું પ્રમાણ વધતું રહ્યું છે. આમ વલસાડ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ બાબતે એકદમ ઢીલી નિતી અપનાવી છે જેને લઇ તંત્ર સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

Share Now