
નવી દિલ્હી તા.24 : હરીયાણાના ફરીદાબાદમાં એક મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી.જેમાં માલગાડીમાં સવાર લોકો પાયલટ દિવાન સિંહ અને તેના આસીસ્ટન્ટે રેલ્વે ટ્રેકની વચ્ચો વચ એક 2 વર્ષના બાળકને ઉભેલો જોયો.ધ્યાન જતાં તરત જ તેમણે માલગાડીને બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો.પરંતુ ત્યાં સુધીમાં માલગાડી બાળક પરથી પસાર થઈ ચૂકી હતી.
ઘટનાથી હેબતાયેલા લોકો પાયલટ અને તેનો આસીસ્ટન્ટ તરત જ ટ્રેનમાંથી ઉતરી નીચે જોયું તો તેમના આશ્ચર્યનો પાર ન હતો.બાળક ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો પરંતુ તેને નાની એવી ઈજા પણ થઈ ન હતી.આ ઘટના બલ્લભગઢ રેલ્વે સ્ટેશન પાસે બનવા પામી હતી.જયાં 12 વર્ષનો બાળક પોતાના 2 વર્ષના નાના ભાઈ સાથે રમી રહ્યો હતો.રમત રમતમાં 2 વર્ષનો બાળક રેલ્વે ટ્રેક પર આવી ગયો હતો.જયારે તેનો મોટો ભાઈ ટ્રેકથી દૂર જઈને ઉભો રહી ગયો હતો. દરમિયાન દિલ્હી-આગ્રાની માલગાડી આવી પહોંચી હતી. ટ્રેનમાં સવાર લોકો પાયલોટ દિવાલ સિંહે આ દ્દશ્ય જોતા જ ઈમરજન્સી બ્રેક લગાવી હતી.તેમ છતાં બાળક એન્જીન વચ્ચે ફસાઈ ગયુ હતું.પરંતુ સદભાગ્યે બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો.આ ઘટનાનો 19 સેકન્ડનો વિડીયો સોશ્યલ મીડીયા પર ભારે વાયરલ થયો હતો.જેમાં ટ્રેન બાળક પરથી પસાર થઈ ગયા પછી અટકે અને એન્જીન વચ્ચે ફસાયેલો બાળક ધ્રુસકે ધ્રુસકે રડતો જોવા મળે છે.
બાળક સુરક્ષિત હતો તેમ છતાં તેને એન્જીન વચ્ચેથી કાઢવો સરળ ન હતો.તેથી લોકો પાયલોટ અને તેનો આસિસ્ટન્ટ બાળકને શાંત પાડવાનો પ્રયાસ કરે છે અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢે છે. બાદમાં બાળકને તેની માતાને સોંપે છે.
‘રેલ્વેના અધિકારીઓને પણ આ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.સમયસૂચકતા વાપરવા બદલ લોકો પાયલોટને સન્માનીત કરવામાં આવશે.’ તેવું રેલ્વેના સૂત્રોએ જણાવ્યું હતું.