મહેસાણા લોકસભા સાંસદે લોકલ ટ્રેનો પુન: શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

164

મહેસાણા : ઉ.ગુ. સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના કારણે બંધ કરાયેલ લોકલ ટ્રેનોને પુન: શરૂ કરવા મહેસાણાના લોકસભા સાંસદ શારદાબેન પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી અનુરોધ કર્યો છે.છેલ્લા કેટલાય સમયથી ધંધા-રોજગાર અર્થે અન્ય શહેરોમાં અપડાઉન કરતા મુસાફરોના હિતમાં બંધ કરાયેલ લોકલ પેસેન્જર ટ્રેનો સત્વરે પુન: શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે લાંબા સમયથી રેલવે વિભાગે લોકલ ટ્રેનો બંધ કરી દિધી હતી.અનલોક જાહેર થતાં ફરી એકવાર ઉદ્યોગ-ધંધા શરૂ થતાં જનજીવન ધબકતું થયું છે.પરંતુ,લોકલ ટ્રેનો બંધ હોવાથી ધંધા-રોજગાર સહિત આવન-જાવન કરતાં હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મામલે મહેસાણા લોકસભાના સાંસદ શારદાબેન પટેલે બંધ લોકલ ટ્રેનોને પુન: શરૂ કરવા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.જેમાં મહેસાણા-અમદાવાદ, અમદાવાદ-આબુરોડ, પાટણ-અમદાવાદ સહિતની અન્ય ગામોથી શહેરોને જોડતી મેમુ,ડેમુ તેમજ ઈન્ટરસીટી લોકલ ટ્રેનોને શરૂ કરવા માંગણી કરી છે.આ પત્રની જાણ રેલવે વિભાગના જનરલ મેનેજર તેમજ ડીઆરએમને પણ કરવામાં આવી છે.

Share Now