સોનગઢ તાલુકાના સાદડકૂવામાં માર્ગો અને ટાંકીના કામો અધૂરા છતાં બીલો પાસ કરાવી ભ્રષ્ટાચાર આચરાયો હોવાની રાવ

307

– ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરાઇ

સોનગઢ : સોનગઢ તાલુકાના સાદડકૂવા ગામની જૂથ ગ્રામપંચાયત દ્વારા આંતરિક રસ્તાઓ અને પાણી ની ટાંકી સહિતના વિકાસ કામો બાબતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે ગામના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ તાપી જિલ્લા વિકાસ અધિકારીને મળી પૂરાવા સાથે લેખિત રજુઆત કરી હતી.

સોનગઢના સાદડકૂવા ગામે રહેતા સુમનભાઈ ગામીત આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકેનું પણ કાર્ય કરે છે.એમના ગામમાં આવેલ જૂથ ગ્રામપંચાયતના સરપંચ અને એમના ટેકેદારો વિકાસના નામે માત્ર કાગળ પર જ રસ્તા અને પાણીના કામો કર્યા હોવાના આક્ષેપ સાથે તેમણે તાપી જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી.એમાં જણાવ્યા પ્રમાણે ગામ માં થતા વિકાસ કામો બાબતે એમણે છેલ્લા પાંચ વર્ષના હિસાબ કિતાબ ની આરટીઆઈ કરી વિગતો મેળવી હતી.સને 2015-16 થી 2019-20 ના સમયગાળામાં ગ્રામપંચાયત ને 14 માં નાણાંપંચ,ધારાસભ્યં અને જિલ્લા પંચાયત સભ્યની ગ્રાન્ટ માંથી,15% વિવેકાધિન જોગવાઈ અને એટીવીટી યોજના હેઠળ નાણા ફાળવવામાં આવ્યા હતા.

આ ફાળવેલ નાણા માંથી કરવામાં આવેલ કામો નો કોઈ લાભ પ્રજાને મળ્યો નથી.ખાસ કરી ને ગામમાં વોટર સપ્લાય માટે મોટર સાથે સિન્ટેક્ષ ની ટાંકીઓ ગોઠવી તો દેવામાં આવી છે પરંતુ એનું પાણી લોકો ને ઘર સુધી હજી મળ્યું નથી.ગામના આંતરિક રસ્તાઓ ડામર રસ્તા બનાવવાના નામે બીલો તો મંજૂર કરાવી લેવામાં આવ્યા છે પરંતુ હજી સુધી રસ્તાઓ ની કામગીરી પુરી કરવામાં આવી નથી.આ સમગ્ર કૌભાંડમાં તાલુકા પંચાયતના કેટલાક કર્મચારીઓ ની પણ મિલી ભગત હોય સરકારના નાણા નો દુરુપયોગ કરનારા ગ્રામપંચાયત અને તાલુકાપંચાયત સોનગઢના કર્તાહર્તાઓ તથા પંચાયત માર્ગ મકાન વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલક ઈજનેર સામે પગલાં ભરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.

Share Now