માતૃત્વ અને ફરજ વચ્ચે તાલમેલ, કોરોના કાળમાં માસુમ બાળક સાથે ડ્યુટી પર મહિલા પોલીસકર્મી

36

– પોલીસ અધિકારીને ઘટનાની જાણ થયા બાદ તેમણે મહિલા કોન્સ્ટેબલને ફરી લાઈનની જવાબદારી સોંપી

નવી દિલ્હી, તા. 17 એપ્રિલ : મધ્ય પ્રદેશના ગુના ખાતેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા પોલીસ કર્મચારી કર્ફ્યુ દરમિયાન ડ્યુટી પર છે અને તેના હાથમાં તેનું બે વર્ષનું માસુમ બાળક પણ છે.તે મહિલા ખાખી વર્દીની સાથે માતા તરીકેની ફરજ પણ નિભાવી રહી છે.આમ તો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મહિલા પોલીસ કર્મચારી ફિલ્ડમાં ડ્યુટી કરે તે કોઈ નવી વાત નથી.પરંતુ જ્યારે ચારે બાજુ સંક્રમણ ફેલાઈ રહ્યું હોય અને લોકો ટપોટપ મરી રહ્યા હોય તે સમયે માસુમ બાળક સાથે ફરજ પણ નિભાવવી તે હિંમતનું કામ છે.દીપમ ગુપ્તા નામની આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે પદસ્થ છે.અન્ય પોલીસ કર્મચારીઓની સાથે દીપમને પણ કોરોનાના કર્ફ્યુની જવાબદારી સોંપવામાં આવી છે.દીપમને પોલીસ લાઈનમાંથી મોબાઈલ યુનિટમાં મોકલવામાં આવી છે.ડ્યુટી પર તૈનાત દીપમ નોકરીની સાથે સાથે માતા તરીકેની જવાબદારી પણ સંભાળી રહી છે.

ફરજ દરમિયાન અન્ય પોલીસ કર્મચારીઓ પણ દીપમની મદદ કરે છે.તેઓ બાળકને ખોળામાં લઈને રમાડે છે અને તેના ખાવા-પીવાનું પણ ધ્યાન રાખે છે.આ સમય દરમિયાન સંક્રમણનું જોખમ રહેલું છે તેમ છતાં મહિલા પોલીસ કર્મચારી પોતાની ફરજીમાં કોઈ બાંધછોડ નથી કરી રહી.

વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અધિકારી રાજીવ કુમાર મિશ્રાને જ્યારે આ અંગે જાણ થઈ તો તેમણે દીપમ ગુપ્તાને ફિલ્ડમાંથી બોલાવીને ફરી લાઈનની જવાબદારી સોંપી દીધી હતી.તેમણે કોરોના કાળમાં બાળક સાથે ડ્યુટી કરવી તેને ગંભીર ગણીને તે મહિલા પોલીસ કર્મચારીની ફિલ્ડની ડ્યુટી કેન્સલ કરી દીધી હતી.

Share Now