સુરતના કાપોદ્રા નજીક બ્રિજ પરથી તાપીમાં છલાંગ લગાવે એ અગાઉ યુવતીને લોકોએ બચાવી લીધી

86

– યુવતીને બચાવી લઈને પોલીસને સોંપવામાં આવી હતી

સુરત : સુરત કાપોદ્રા તાપી નદીના બ્રિજ પરથી મોતની છલાંગ મારવાનો પ્રયાસ કરતી યુવતીને લોકોએ બચાવી લીધી હોવાનો વીડિયો વાઇરલ થયો છે.એટલું જ નહીં પણ પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર પર ફોન કરી લોકોએ યુવતીને પોલીસને હવાલે કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે યુવતી આવું પગલું ભરવા કેમ મજબુર થઈ હોવાનું જાણવા મળ્યું નથી.

રાહદારીઓએ જણાવ્યું હતું કે, એક યુવતી ભર બપોરે કાપોદ્રા બ્રિજ પર ચઢીને તાપી નદીમાં છલાંગ મારવાનો પ્રયાસ કરી રહી હતી.જેને લઈ લોકો ભેગા થઈ ગયા હતા.તાત્કાલિક લોકોએ બ્રિજ પર લોખંડની ઝાળીમાં તાપી નદી બાજુની સાઇડએ ઉતરી ગયેલી યુવતીને બચાવવા બ્રિજની રેલીગ પર ચઢી ગયા હતા અને હેમખેમ યુવતીને ઉંચકી બચાવવામાં સફળ રહ્યા હતાં.ત્યારબાદ લોકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસ બોલાવી લીધી હતી અને યુવતીનો કબ્જો પોલીસને સોંપી નીકળી ગયા હતાં.

આ ઘટનાનો આખો વીડિયો બની ગયો હતો.જેમાં સ્પષ્ટ દેખાય છે કે, યુવતીને કેવી રીતે બચાવી લેવાઈ છે.યુવતી કોણ છે અને ક્યાંથી આવી હતી એ બાબતે કશું પણ જાણવા મળ્યું ન હતું.જોકે આ બાબતે પોલીસે ચોક્કસ કોઈ નિવેદન લઈ એના પરિવારને બોલાવ્યા હશે. જોકે આ પોલીસ તપાસનો વિષય છે.પણ આપઘાતમાંથી ઉગરી આવેલી યુવતી ખૂબ જ રડતી હતી. ચોક્કસ કોઈ ગંભીર વાત હોય શકે એ વાતને નકારી શકાય નહીં તેમ રાહદારીઓએ વધુમાં જણાવ્યું હતું.

Share Now