બંગાળમાં આઝાદી બાદ પહેલી વખત લેફ્ટ-કોંગ્રેસનો એક પણ MLA નહીં

52

– 292 બેઠકો પર મતગણતરી થઈ તેમાંથી 213 બેઠકો પર ટીએમસીનો વિજય, ભાજપને 77 બેઠકો પર વિજય મળ્યો

નવી દિલ્હી, તા. 3 મે : બંગાળની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. 292માંથી 213 બેઠકો પર જીતીને તૃણમૂલ કોંગ્રેસે સતત ત્રીજી વખત બંગાળની સત્તામાં કમબેક કર્યું છે.ટીએમસીએ હરીફ ભાજપની સરખામણીમાં આશરે 10 ટકા જેટલા વધારે મત મેળવ્યા છે. ટીએમસીને આશરે 48 અને ભાજપને આશરે 38 ટકા મત મળ્યા હતા.આ બધા વચ્ચે સૌથી ચોંકાવનારૂ પરિણામ એ રહ્યું કે પાછલી ચૂંટણીમાં 44 બેઠકો સાથે બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી કોંગ્રેસનું ખાતુ પણ નહોતું ખુલ્યું.
કોંગ્રેસને 2.93 ટકા જેટલા મત મળ્યા પણ એક પણ બેઠક ન મળી.આ જ સ્થિતિ લેફ્ટ ફ્રંટની પણ રહી હતી જે કોંગ્રેસ અને પીરજાદા અબ્બાસ સિદ્દિકીની પાર્ટી ઈન્ડિયન સેક્યુલર ફ્રંટ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડ્યું હતું.વામ મોરચા અને કોંગ્રેસનું ગઠબંધન શૂન્ય બેઠકો પર સમેટાઈ ગયું હતું.લાંબા સમય સુધી પ્રદેશની સત્તા પર કબજો જમાવનારા આ બંને પક્ષ સાથે આવ્યા પરંતુ બંગાળની જનતાએ તેમની અવગણના કરી દીધી.

બંગાળની જે 292 બેઠકો પર મતગણતરી થઈ તેમાંથી 213 બેઠકો પર ટીએમસીનો વિજય થયો હતો.ભાજપને 77 બેઠકો પર વિજય મળ્યો હતો.રાષ્ટ્રીય સેક્યુલર મજલિસ પાર્ટીનો એક અને એક અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચવામાં સફળ રહ્યો હતો પરંતુ કોંગ્રેસ અને વામદળોનો એક પણ ઉમેદવાર ચૂંટણી ન જીતી શક્યો.

દેશની આઝાદી બાદ પહેલી વખત એવું બન્યું છે કે, જ્યારે બંગાળ વિધાનસભામાં કોંગ્રેસ અને લેફ્ટ ફ્રંટનો એક પણ ધારાસભ્ય નહીં હોય.ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણી વખતે કોંગ્રેસે 44 અને માકપાએ 26 વિધાનસભા બેઠકો પર વિજય મેળવ્યો હતો. 2011ની ચૂંટણી વખતે જ્યારે વામ દળના લાંબા શાસનકાળનો અંત આવ્યો હતો ત્યારે પણ કોંગ્રેસ 42 બેઠકો જીતવામાં સફળ રહી હતી.

Share Now