ભાજપે મોદી વિ. મમતાની લડાઈ બનાવી: મોદીની છબી પણ બગડી

57

નવી દિલ્હી તા.4 : દેશમાં લોકસભા ચૂંટણી હોય કે રાજયસભા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચારથી જ ભાજપને સફળતા મળે છે પરંતુ પશ્ર્ચિમ બંગાળમાં બંને નેતાઓએ જે રીતે પ્રચાર કર્યો તેમ છતા જે રીતે ભાજપને પરાજય થયો તેનાથી કમસેકમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને નુકશાન પહોંચાડયું છે.એક તરફ હાલ કોરોના સંક્રમણમાં ખાસ કરીને બીજી લહેરમાં દેશની જે અત્યંત ખરાબ સ્થિતિ છે અને તે વચ્ચે પણ કેન્દ્ર સરકાર હજુ નિર્ણાયક બની શકી નથી તથા વેકસીનેશનમાં પણ રાષ્ટ્રીય ને બદલે પક્ષીય બની ગઈ હોય તેવી સ્થિતિ છે તે વડાપ્રધાનની છબીને નુકશાન પહોંચાડી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાનના નિર્ણયો સામે પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે

વિદેશી અખબારો અને અન્ય માધ્યમો પણ જે રીતે પહેલા કોરોના કામગીરી અને હવે ચૂંટણીમાં ભાજપનો પ્રભાવ તેની સાથોસાથ તુલના કરીને વડાપ્રધાનની ક્ષમતા સામે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.બ્લુમબર્ગના રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં વાયરસનું સંક્રમણ વધ્યું તે વચ્ચે પણ જે રીતે ભાજપનો પરાજય થયો તે સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી પર અસર કરે છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળ જેવા રાજયોમાં પ્રથમ બે થી ત્રણ તબકકામાં ભાજપની સ્થિતિ સંગીન હતી પરંતુ ત્યારબાદના તબકકામાં જે રીતે સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધ્યા તેનો પડઘો પડયો હતો.

ખાસ કરીને ત્રણ તબકકા પછી ભારતમાં કોરોનાના કેસમાં જબરો ઉછાળો આવ્યો અને રાષ્ટ્રીય સ્તરે તેની ચર્ચા થવા લાગી.કોરોના સંક્રમણ હોવા છતાં જે રીતે વડાપ્રધાન સહિતના નેતાઓ સોશ્યલ ડીસ્ટન્સ કે માસ્કની ચિંતા કર્યા વગર પ્રચાર કરતા હતા તેની પણ ટીકા શરુ થઈ ગઈ અને ચૂંટણી પંચ પણ જે રીતે બિન્દાસ્ત બન્યુ હતુ તે પણ પ્રશ્ન ઉભા થયા આમ સમગ્ર રીતે પશ્ચિમ બંગાળમાં તેની અસર પડી.ભાજપે આસામમા સતા જાળવી રાખી છે કારણ કે ત્યાં કોંગ્રેસનો મુકાબલો હતો.પોંડીચેરીમાં પણ કોંગ્રેસને તોડી ભાજપે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યુ અને આ રીતે સાબીત થયુ કે જયાં કોંગ્રેસનો મુકાબલો હોય ત્યાં ભાજપ સીકંદર બની શકે છે પરંતુ સ્થાનિક નેતાઓનો મુકાબલો આવે ત્યાં મોદીનો કરીશ્મા પણ કામ કરતો નથી.

Share Now