ભારતને પૂરતી વેક્સિન નહીં આપી શકનારા અદાર પૂનાવાલા બ્રિટનમાં 2457 કરોડનું કરશે રોકાણ

57

નવીદિલ્હી, તા.4 : આ મહિનાની પહેલી તારીખથી વેક્સિનેશનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે જેમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે.સરકારે આ પહેલાંના બે તબક્કાઓમાં તો વેક્સિનેશન સરળતાથી પૂરું કરી લીધું પરંતુ આ વખતે વેક્સિનની ભારે અછત વર્તાઈ રહી છે.આ બધાની વચ્ચે વેક્સિન નિર્માતા કંપની સીરમના માલિક અદાર પૂનાવાલા બ્રિટનમાં 2457 કરોડ રૂપિયાનું રોકાણ કરવાના હોવાનું બહાર આવ્યું છે.બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને આ અંગે જાહેરાત કરતાં કહ્યું કે ભવિષ્યમાં સીરમ ઈન્સ્ટીટયુટ બ્રિટનમાં વેક્સિન પણ બનાવી શકે છે.આજે મોદી અને તેના સમકક્ષ બ્રિટિશ વડાપ્રધાન બોરીસ જોન્સન વચ્ચે વર્ચ્યુઅલ બેઠક થાય તે પહેલાં જ આ એલાન કરી દેવાયું છે.વડાપ્રધાન જોન્સનના કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું કે 240 મિલિયન પાઉન્ડ (2460 કરોડ રૂપિયા)ના પ્રોજેક્ટમાં ક્લિનિકલ ટ્રાયલ, રિસર્ચ અને સંભવત: વેક્સિન નિર્માણ પણ સામેલ થઈ શકે છે.સીરમ ઈન્સ્ટીટયુટ માત્રાના હિસાબથી દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની છે.આ ઉપરાંત તે ઓછી કિંમતની એસ્ટ્રાજેનેકા વેક્સિન બનાવનારી કંપનીઓમાં પણ સૌથી આગળ છે.

સીરમે યુકેમાં કોરોના વાયરસની એક ખોરાકવાળી નેઝલ વેક્સિનના પહેલાં તબક્કાનું ટ્રાયલ પણ શરૂ કરી દીધું છે.ડાઉનિંગ સ્ટ્રીટના જણાવ્યા મુજબ સીરમની આ યોજના ભારત સાથે એક અબજ ડોલરની વેપાર સમજૂતિનો હિસ્સો છે અને તેનાથી અંદાજે 6500 નોકરીઓના અવસર ઉભા થશે.સીરમ ઈન્સ્ટીટયુટ દર મહિને કોરોના વેક્સિનની અંદાજે 6થી 7 કરોડ ખોરાક બનાવે છે.અત્યારે કંપનીનો લક્ષ્‍યાંક જૂલાઈ સુધી તેને વધારીને 10 કરોડ સુધી લઈ જવાનો છે.

Share Now