​​​​​​​સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીને પત્ર લખી સ્કૂલ ફી મુદ્દે સ્પષ્ટતા કરવા માંગ કરી

55

– પરીક્ષા રદ્દ થયા બાદ ફી ન ભરાતી હોય ઓનલાઈન શિક્ષણ શરૂ રાખવા માટે રજૂઆત કરાઈ
– વાલીઓ પૂરતી ફી ન ભરતા હોવાથી તાત્કાલિક ખાનગી શાળા માટે રાહત પેકેજની માગ કરાઈ

​​​​​​​સુરત : રાજ્ય સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવાના નિર્ણયથી વાલીઓ, વિદ્યાર્થીઓની સાથે સાથે ખાનગી શાળાના સંચાલકો પણ અવઢવ અનુભવી રહ્યાં છે.સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા કેટલાક મહત્વના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરાઇ છે. 7 જૂનથી શાળા શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.સ્વાભાવિક છે કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હાજી પણ શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવશે.ફીના મુદ્દે અને ઓનલાઈન એજ્યુકેશન ને લઈને વાલીઓ અને સંચાલકો વચ્ચે સતત મતભેદ સામે આવી રહ્યા છે.જેનું નિરાકરણ કરવું પણ ખૂબ જ જરૂરી હોવાનું મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લખાયેલા પત્રમાં માગ સાથે સ્પષ્ટતા કરવા જણાવાયું છે.

શૈક્ષણિક વર્ષ 2020 – 21ની ફી હજી સુધી કેટલાક વાલીઓ દ્વારા આપવામાં આવી નથી,ત્યારે હવે નવ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે.ત્યારે વાલીઓ ફી નહિ ભરી હોય તો શાળા સંચાલકે શું કરવાનું તે અંગે હવે શિક્ષણ વિભાગે સૂચન કરવું પડશે.વાલીઓ ઓનલાઈન એજ્યુકેશન લેવા માંગે છે કે, કેમ તે અંગે વાલીઓએ શાળાના સંચાલકો સાથે સંપર્ક કરવાનો રહેશે. વાલીઓની આર્થિક સ્થિતિ ખરાબ હોય અને ફી ન ભરી શકતા હોય તો તેમણે લેખિતમાં શાળાના સંચાલકોને જાણ કરવાની રહેશે.

શિક્ષણ વિભાગની કેટલીક બાબતે યોગ્ય સ્પષ્ટતા ન કરી હોવાથી અનેક સમસ્યાઓ ઉભી થઇ રહી છે.જો વાલીઓ ઓનલાઈન એજ્યુકેશન લેવા માટે સંમત ન થાય અને શાળાની પણ જો ન ભરે તો શાળાનો નિભાવ ખર્ચ શાળા સંચાલકો કેવી રીતે કરશે તે અંગે મોટી મૂંઝવણ ઊભી થઈ છે.શાળાની ફી નહીં ભરે અને ઓનલાઈન એજ્યુકેશન ન લે તો તે વિદ્યાર્થીને શાળામાં દાખલા રાખવા કે કેમ? તે અંગે પણ શાળા સંચાલકોની મુશ્કેલી વધી છે.જે વિદ્યાર્થીઓના વાલીઓ ફી ચૂકવે છે અને ઓનલાઇન શિક્ષણ લે છે,તેમની સંખ્યા કેટલી રહેશે અને જે વિદ્યાર્થી ઓનલાઇન શિક્ષણ નથી લેતા તેઓ ફી ચૂકવવામાં આનાકાની કરે તો શાળા સંચાલકોએ કઈ દિશામાં આગળ વધવું તે અંગે પણ કોઇ સ્પષ્ટતા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી નથી.

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ દિપક રાજ્યગુરુએ જણાવ્યું કે, સામાન્ય રીતે વાલીઓની હવે એવી માનસિકતા થઈ ગઈ છે કે, માસ પ્રમોશન સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે. જો માસ પ્રમોશન આપી દેવામાં આવનાર હોય તો શા માટે શાળાની ફી ભરીએ આ પ્રકારની માનસિકતા શાળા સંચાલકો માટે ખૂબ જ નુકસાનકારક પૂરવાર થઈ રહી છે. બીજી તરફ અમારી માગણી છે કે જો વાલીઓ પૂરતી ફી નહીં ભરે,તો રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી રાહત પેકેજ જ જાહેર કરી દેવું જોઈએ.અમે નિર્ણય લીધો છે કે, જો રાજ્ય સરકાર રાહત પેકેજ માટેનો નિર્ણય નહીં કરે તો અમે કોર્ટ મારફતે રાહત પેકેજની માગણી કરીશું.

Share Now