ઇઝરાઇલના પક્ષમાં રહેવાને લઈ પેલેસ્ટાઇને ઊઠાવ્યો વાંધો, તો ભારતે આપ્યો ચોખ્ખોચટ જવાબ

98

સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાઇલની વિરુદ્ધ વોટિંગ દરમિયાન ગેરહાજર રહેવાને લઇને પેલેસ્ટાઇનના વાંધાનો ભારતે જવાબ આપ્યો છે.ભારતે ગુરૂવારના કહ્યું કે, આવું પહેલીવાર નથી થયું કે કોઈ પ્રસ્તાવ પર મતદાન દરમિયાન ભારત ગેરહાજર રહ્યું હોય.આ પહેલા પણ ભારત સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકારની પરિષદમાં ગાઝામાં હિંસાની તપાસને લઇને વોટિંગ દરમિયાન ગેરહાજર રહી ચુક્યું છે.પેલેસ્ટાઇનના વિદેશ મંત્રી ડૉ. રિયાદ અલ મિલિકીએ સંયુક્ત રાષ્ટ્રમાં વોટિંગ દરમિયાન ભારતના ગેરહાજર રહેવા પર નારાજગી વ્યક્ત કરી હતી.ત્યારબાદ ભારતીય વિદેશ મંત્રાલયે આ પ્રતિક્રિયા આપી છે.

ભારત ઇઝરાઇલની વિરુદ્ધ વોટિંગમાં ગેરહાજર 14 દેશોમાં સામેલ હતુ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના વલણથી દુ:ખી પેલેસ્ટાઇનના વિદેશ મંત્રી ડૉ. રિયાદ અલ મલિકીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર લખ્યો હતો.સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાઇલની વિરુદ્ધ તપાસના પ્રસ્તાવ પર મતદાનમાં ભારતે ભાગ ના લીધો.ભારત એ 14 દેશોમાં સામેલ હતુ જેઓ ઇઝરાઇલની વિરુદ્ધ વોટિંગમાં ગેરહાજર રહ્યા.વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને મીડિયા બ્રિફિંગમાં પ્રશ્ન કરવામાં આવ્યો કે પેલેસ્ટાઇનના વિદેશ મંત્રીએ યૂએનએચઆરસીમાં ભારતના વલણને જોતા ચિંતા વ્યક્ત કરી છે, ભારતે 17 મેના પેલેસ્ટાઇનીઓના મુદ્દાને સમર્થન કર્યું હતુ, પરંતુ 27ના ભારત વોટિંગથી દૂર રહ્યું.પેલેસ્ટાઇન પર ભારતના આ વિરોધાભાસી વલણને લઇને શું કહેશો?

આનાથી અમારું વલણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે – બાગચી

આ પ્રશ્નના જવાબમાં બાગચીએ કહ્યું કે, ‘પેલેસ્ટાઇને તમામ દેશોને આ પ્રકારના પત્ર લખ્યા જેમણે વોટિંગથી અંતર રાખ્યું.અમે પહેલા પણ અનેકવાર મતદાન દરમિયાન ગેરહાજર રહ્યા છે.આ કોઈ નવી વાત નથી. મને લાગે છે આનાથી અમારું વલણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અને એ પ્રશ્નોનો પણ જવાબ છે જે કરવામાં આવી રહ્યા છે.’ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા પત્રમાં પેલેસ્ટાઇનના વિદેશ મંત્રી ડૉ. રિયાદ અલ મલિકીએ કહ્યું છે કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઇઝરાઇલની વિરુદ્ધ તપાસ માટે લાવવામાં આવેલા નિર્ણાયક અને મહત્વપૂર્ણ વોટિંગ પ્રસ્તાવ દરમિયાન ગેરહાજર રહીને એક મહત્વપૂર્ણ તકને ગુમાવી દીધી છે.

ઇઝરાઇલની વિરુદ્ધ યુદ્ધ અપરાધોની તપાસ માટે પ્રસ્તાવ પાસ

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રની ટોચની સંસ્થા માનવ અધિકાર પરિષદ (UNHRC)એ વોટિંગ બાદ 27 મેના ઇઝરાઇલની વિરુદ્ધ યુદ્ધ અપરાધોની તપાસ માટે પ્રસ્તાવ પાસ કરી દીધો.માનવ અધિકાર પરિષદે પેલેસ્ટાઇન-ઇઝરાઇલની વચ્ચે સંઘર્ષમાં યુદ્ધ અપરાધ તરીકે તપાસ માટે આદેશ આપ્યો છે.તપાસ માટે સંયુક્ત રાષ્ટ્રએ એક આયોગનું ગઠન કર્યું છે. 30 મેના લખેલા પત્રમાં ડૉ. મલિકે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રમાં પસાર થયેલો પ્રસ્તાવ એક પક્ષીય નહોતો,પરંતુ બહુપક્ષીય ચર્ચા બાદ પસાર થયો.

Share Now