ગુજરાત કોંગ્રેસને કોણ ઉગારશે? 2022 રણનીતિ માટે કોણ આવશે ઉદ્ધારક?

87

ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સત્તાવંચિત કોંગ્રેસને સત્તામાં લાવવા માટે કોંગ્રેસ મરણિયો પ્રયાસ કરી રહી છે.હાઇકમાન્ડે સંગઠનમાં મોટા બદલાવ સાથે પ્રદેશ કોંગ્રેસમાં પરિવર્તનનો આલાપ શરૂ કર્યો છે.કોંગ્રેસને નવા પ્રભારી,નવા પ્રદેશ પ્રમુખ, નવા વિપક્ષના નેતા અને અન્ય પાર્ટીઓને સત્તા અપાવનારા પોલિટીકલ સ્ટેટેજીસ્ટ પ્રશાંત કિશોરને કમાન સોંપવામાં આવે તેવી ચર્ચા ચાલે છે જોકે, પ્રશાંત કિશોરે બંગાળ ચૂંટણી પછી આ કામમાંથી નિવૃત્તિની વાત કરી હતી. કદાચ તેમની કંપની આ કામ કરે તો નવાઇ નહીં.

પહેલાં બિહારમાં નિતીશકુમાર અને પછી પશ્ચિમબંગાળમાં મમતા બેનરજીને સત્તા અપનાવનારા પ્રશાંત કિશોર હવે ગુજરાતમાં કામ કરે તે માટેનો તખ્તો ઘડાઇ રહ્યો છે.તેમને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી શકે છે.હાઇકમાન્ડનો સ્પષ્ટ નિર્દેશ છે કે આ વખતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા પર લાવવાની છે તેથી તમામ પ્રયાસ અત્યારથી જ શરૂ કરી દો.

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતાને બીજીવાર સત્તામાં લાવનાર અને અગાઉ કરતાં વધારે બેઠકો અપાવી છે તેવા પ્રશાંત કિશોર અનેક પાર્ટીમાં કામ કરી ચૂક્યાં છે.તેમણે પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ પછી ચૂંટણી કામગીરીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી.એ પહેલાં કહ્યું હતું કે ભાજપને બંગાળમાં ત્રણ ડિજીટમાં બેઠકો નહીં મળે અને તેવું જ થયું છે.

કોંગ્રેસમાં મોટા બદલાવ આવી રહ્યાં છે.રાષ્ટ્રીય કક્ષાએ પણ ફેરફારો થઇ રહ્યાં છે અને રાજ્યોમાં પણ પરિવર્તન થવાનું છે જેમાં ગુજરાત બાકાત નથી.કોંગ્રેસ નામશેષ થઇ ગઇ છે ત્યારે તેને બેઠી કરવા માટે સ્ટ્રેટેજીસ્ટ પ્રશાંત કિશોરની કોંગ્રેસના નેતાઓને જરૂર છે.જો કે ગુજરાત કોંગ્રેસમાં મુખ્યમંત્રીના દાવેદાર ઉમેદવાર મળવા મુશ્કેલ છે તેથી સૌથી મોટી સમસ્યા લિડરશીપની ઉભી થઇ છે.આ સંજોગોમાં પ્રશાંત કિશોર આવે તો તેઓ ગુજરાત કોંગ્રેસ માટે શું કરી શકે છે તેનું પ્લાનિંગ કરશે.

ગુજરાતમાં હાલના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાનીએ સ્થાનિક ચૂંટણી પછી રાજીનામું આપી દીધું છે.તેમના સ્થાને પાર્ટીને નવા નામોની પસંદગી કરવાની છે.એ ઉપરાંત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના અવસાન પછી નવા પ્રભારીની નિયુક્તિ કરવાની થાય છે.આ પ્રક્રિયા જૂનના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવે તેવી અટકળો પણ પાર્ટીમાં ચાલી રહી છે.

Share Now