સિપોર ગ્રા. પં.ની માહિતી ન આપવા બદલ તલાટીને રૂ. 25 હજારનો દંડ

28

મહેસાણા : મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની સિપોર ગ્રામ પંચાયત કચેરીના તલાટી કમ મંત્રી તેમજ જાહેર માહિતી અધિકારી તરીકે અરજદારને સમય મર્યાદામાં માહિતી ન આપવા બદલ રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે.જ્યારે ગુજરાત માહિતી આયોગની સુનાવણીમાં તાકીદ કરી હોવા છતાં ગેરહાજર રહેવા બદલ તલાટી સામે તાત્કાલિક ખાતાકીય તપાસ શરૂ કરી શિક્ષાત્મ કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે.જ્યારે અરજદારને દિન-૩૦માં અરજદારને માહિતી પુરી પાડવા પ્રથમ અપીલ અધિકારી તેમજ વડનગર તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે.

વડનગર તાલુકાની સિપોર ગ્રામ પંચાયત કચેરીમાં ગામના જ અરજદાર બળવંતજી રામસંગજી ઠાકોરે ગત ૧૨મી ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતી મેળવવા અરજી કરી હતી.જેમાં સિપોર ગ્રામ પંચાયતના સને ૨૦૧૭-૧૮થી વર્ષ ૨૦૧૯-૨૦ સુધીના ખર્ચના બીલોની નકલ,પંચાયત કારોબારી મીટીંગના ઠરાવની નકલ,આ સમય દરમિયાન થયેલ વિકાસ કામોની યાદી સહિત તમાં થયેલ ખર્ચની માહિતી મેળવવા ઉલ્લેખ કરાયો હતો.ઉપરોક્ત માહિતી સિપોર ગ્રામ પંચાયતના જાહેર માહિતી અધિકારી તેમજ તલાટી કમ મંત્રી કમલેશકુમાર બી. ચૌહાણ તરફથી સમય મર્યાદામાં આપવામાં આવી ન હતી.ત્યારબાદ અરજદારે ઉપરોક્ત માહિતી મેળવવા પ્રથમ અપીલ અધિકારી વડનગરના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અરજી કરી હતી.તાલુકા વિકાસ અધિકારીએ અરજદારને દિન-૧૫માં વિના મૂલ્યે રજીસ્ટર્ડ પોસ્ટ એડીથી પુરી પાડવા તલાટીકમમંત્રીને હુકમ કર્યો હતો.છતાં માહિતી પુરી પાડવામાં ન આવતાં અરજદારે ગુજરાત માહિતી આયોગમાં માહિતી મેળવવા બીજી અપીલ કરી દાદ માગી હતી.આ કેસમાં માહિતી આયોગ તરફથી રાખવામાં આવેલ સુનાવણી વખતે ઈરાદાપૂર્વક હાજર ન રહેનાર તલાટી કમ મંત્રીની ગંભીર નોંધ લેવાઈ હતી.

આ મામલે ગુજરાત માહિતી આયોગના કમિશ્નર કે.એમ. અધ્વર્યુએ અરજદારને માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અન્વયે કસૂરવાર ઠેરવી સિપોર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને રૂ. ૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે.જ્યારે તાલુકા વિકાસ અધિકારીની સ્પષ્ટ આદેશ બાદ પણ સુનવણીમાં હાજર ન રહેનાર તલાટી કમ મંત્રી સામે તાત્કાલિક ખાતાકીય તપાસ કરી સત્વરે કાર્યવાહી કરવા પણ માહિતી આયોગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.આયોગના આ હુકમથી માહિતી આપવામાં બેદરકારી દાખવનાર સરકારી બાબુઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે.

Share Now