પલસાણા નજીક ટ્રકમાં ચોરખાનું બનાવી લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે જિલ્લા LCBએ 2 ને ઝડપાયા

134

પલસાણા : સુરત જિલ્લાના પલસાણા ખાતે ચાર રસ્તા નજીક હાઇવે રોડ ઉપરથી સુરત જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા.આ વિદેશીદારૂનો જથ્થો ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં સંતાડી વાપીથી બારડોલી તરફ લઈ જવાતો હતો.એલસીબી પોલીસે વિદેશી દારૂ તેમજ બિયરની કુલ 9108 નંગ બોટલ, એક ટ્રક અને રોકડ રકમ મળી કુલ 20.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ સુરત જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે એક ટ્રક નંબર એમ.એચ-04-ઇવાય-1515નો ચાલક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વાપી તરફથી નીકળેલ છે અને જે પલસાણા થઈ બારડોલી તરફ જવાનો છે.જે હકીકતના આધારે એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ પલસાણા ચાર રસ્તા ઓવર બ્રિજ નજીક વોચ ગોઠવી હતી.તે દરમ્યાન બાતમી મુજબની ટ્રક આવતા પોલીસ સ્ટાફના માણસોએ તેને અટકાવી હતી અને ટ્રકના પાછળના ભાગે તપાસ કરતાં ટ્રકની પાછળનો ભાગ ખાલી હતો જોકે ટ્રકની ફાલના હૂડનો ભાગ તપાસ કરી તાડપત્રી હટાવી જોતાં ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂની તથા બીયરની નાની મોટી કુલ 9108 બોટલ કિંમત રૂ. 10,74,000નો જથ્થો મળી આવ્યો હતો.જ્યારે ટ્રક ચાલક અનિલકુમાર મહેન્દ્રભાઈ સિંગ (રહે, આશોદા, તા-બહાદુરગઢ, હરિયાણા) તથા ક્લીનર દિપક ગોવિંદભાઈ શર્મા (રહે, ડાયાગામ, જી-ઇશાર, હરિયાણા) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો ભરી મોકલનાર મુન્નાભાઈ ને પોલીસે વોંટેડ જાહેર કર્યો હતો. પોલીસે ટ્રક તેમજ વિદેશી દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ 20.77 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now