વ્હેલ માછલીની અધધ..30 કરોડ રુપિયાની ઉલટી સાથે પકડાયા ત્રણ વ્યક્તિઓ

98

કોચી,તા.10.જુલાઈ : કેરાલાના ત્રિશુર જિલ્લામાં વન વિભાગના અધિકારીઓએ ત્રણ વ્યક્તિઓ પાસેથી વ્હેલ માછલીની અધધ… 30 કરોડ રુપિયાની કિંમતની ઉલટી જપ્ત કરી છે.

આ ત્રણે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.ચોંકાવનારી વાત એ છે કે, ભારતમાં વ્હેલ માછલીની ઉલટી પકડાવાના કિસ્સા વધી રહ્યા છે.જોકે કેરલામાં આવી ઘટના પહેલી વખત સામે આવી છે.આ ત્રણે આરોપીઓ પૈકી બે રફીક અને ફૈસલ ત્રિશુર જિલ્લાના અને એક આરોપી હમ્ઝા અર્નાકુલમ જિલ્લાનો રહેવાસી છે.કેરાલાના વન વિભાગને બાતમી મળ્યા બાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.જેના ભાગરુપે ઉલટી ખરીદવા માટે વન વિભાગના અધિકારીઓએ નકલી ગ્રાહક બનીને આરોપીનો સંપર્ક કર્યો હતો અ્ને આ ગેંગને ઝડપી લેવામાં આવી હતી.વ્હેલ માછલીની લગભગ 19 કિલો જેટલી ઉલટી તેમની પાસેથી મળ્યા બાદ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.આ ઉલ્ટીની કિંમત 30 કરોડ રુપિયા જેટલી થવા જાય છે.

ભારતના કાયદા પ્રમાણે વ્હેલ માછલીની ઉલટીનો વેપાર કરવો અપરાધ છે.દુનિયામાં વ્હેલ માછલીની ઉલટી મેળવવા માટે તેમનો મોટી સંખ્યામાં શિકાર કરવામાં આવે છે.જોકે હજી સુધી આ ત્રણ આરોપીઓ પાસે આ ઉલટી કેવી રીતે આવી તે સ્પષ્ટ થઈ શક્યુ નથી.વ્હેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ભૂરા રંગનો મીણ જેવો પદાર્થ હોય છે.જે વ્હેલ માછલીના પેટમાં બને છે.માછલી સમયાંતરે તેને વોમિટ કરીને બહાર કાઢી નાંખે છે અને તે પાણી પર તરતો જોવા મળે છે.પરફ્યુમના માર્કેટમાં એમ્બરગ્રીસની બહુ બોલબાલા છે અને તેના કારણે જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેનો ભાવ આંખો ફાટી જાય તેટલો વધારે છે.

Share Now