બાબુલ સુપ્રિયોને સમજાવવામાં ભાજપને સફળતા : હાલ સાંસદ પદ જાળવી રાખશે

53

નવી દિલ્હી તા.3 : પશ્ચીમ બંગાળમાં ભાજપના પરાજય બાદ હવે પક્ષમાં ભળેલા એક બાદ એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે તે વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ બાબુલ સુપ્રિયોએ પણ સંસદ સભ્ય તરીકેથી રાજીનામુ આપીને રાજકારણ છોડવાની જાહેરાત કરતા દોડતા થઇ ગયેલા ભાજપ મોવડી મંડળે અંતે બાબુલ સુપ્રિયોને સમજાવવામાં સફળતા મેળવી છે અને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સાથેની મુલાકાત બાદ કહ્યું કે હું મારી મુદત છે ત્યાં સુધી સાંસદ તરીકે ચાલુ રહીશ પરંતુ રાજકારણમાં હવે મને રસ નથી અને તે દિલ્હીમાં પોતાનુ સરકારી નિવાસ સ્થાન પણ પરત આપી દેશે.

બાબુલ સુપ્રિયોએ ત્રણ દિવસ પહેલા જ પોતાને નિરાશા થઇ છે.પશ્ચીમ બંગાળમાં કેટલાક નેતાઓએ પક્ષને હાઇજેક કરી લીધો છે તેવા આક્ષેપ સાથે સાંસદ પદેથી રાજીનામુ આપી દેવા અને રાજકારણ છોડવાની જાહેરાત કરી હતી.પરંતુ જે રીતે પશ્ચીમ બંગાળમાં એક બાદ એક નેતાઓ ભાજપ છોડી રહ્યા છે તેમાં બાબુલ સુપ્રિયો જેવા સ્થાનિક સ્તરે લોકપ્રિય ચહેરો જો ભાજપ છોડે તો પક્ષને મોટો ફટકો પડે તેવી ધારણા હતી.

ઉપરાંત આસનસોલ લોકસભા બેઠક પણ ખાલી થાય તો ત્યાં પેટા ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ મેદાન મારી જાય તેવી પણ શકયતા હતી તેથી જ તાત્કાલીક તેમને રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરાવાઇ હતી એટલુ જ નહી ગૃહમંત્રી અમિત શાહે પણ તેમની સાથે ફોન પર વાત કરી હતી અને બાદમાં બાબુલ સુપ્રિયોએ પક્ષના મોવડીઓનું માન રાખતા સાંસદ પદ જાળવી રાખવા અને પોતાની ફરજ બજાવશે તેવુ જણાવીને ઉમેર્યુ હતું કે હું દિલ્હીમાં સરકારી આવાસ છોડી રહ્યો છું અને હવે હવું કોલકત્તામાં અને આસનસોલમાં જ વસવા માંગુ છુ.મારી ટર્મ પૂરી થયા બાદ હું ફરી ચૂંટણી નહી લડુ અને હું રાજકારણમાં પણ હવે રહીશ નહી.

Share Now