ભરૂચ : BJP મહિલા સભ્યની ફેસબુક પોસ્ટથી રોષ, રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા માગ

192

ભરૂચ : ભરૂચ જિલ્લા પંચાયતની ઝાડેશ્વર બેઠક પરથી ચૂંટાયેલા ભાજપનાં મહિલા સભ્યએ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ કરી હતી કે તેને લઈને અનુસૂચિત જાતિના લોકો રોષે ભરાયા છે.તેમણે આ સમગ્ર મામલે ભાજપના મહિલા સભ્ય સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માગણી કરી છે અને તમામ લોકો ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, 24 કલાકમાં જો કોઈ ગુનો નોંધવામાં નહીં આવે તો આ બાબતે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.

રિપોર્ટ, અનુસાર ભરૂચ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય શૈલા પટેલ ઝાડેશ્વર બેઠક પરથી ચૂંટાયા હતા અને તેમણે ફેસબૂક પર અનુસૂચિત જાતિના લોકો અને બંધારણ અંગે એક પોસ્ટ મુકી હતી.આ પોસ્ટને લઈને અનુસૂચિત જાતિના લોકોમાં રોષ જોવા મળ્યો છે.પોસ્ટમાં શૈલા પટેલે લખ્યું હતું કે, કાબીલ મત બનો દલિત બનો. અલ્પસંખ્યક બનો કામયાબી જખ માર કે પીછે આયેગી. ભારતીય સંવિધાન.

મહત્ત્વની વાત છે કે, શૈલા પટેલ ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખના દાવેદાર હતા પરંતુ, ભાજપે તેમને પડતા મુક્યા હોવાના કારણે તેમણે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ મુકીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.સમગ્ર મામલો મીડિયામાં પ્રસારિત થતા શૈલા પટેલે તાત્કાલિક તેમની પોસ્ટને ડીલીટ કરી હતી.પરંતુ જ્યાં સુધીમાં ભાજપના મહિલા સભ્ય પોસ્ટ ડીલીટ કરે ત્યાં સુધીમાં ગામના લોકોને આ પોસ્ટની જાણ થઈ ગઈ હતી.તેથી ઝાડેશ્વર ગામના સમસ્ત અનુસૂચિત જાતિના લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી અને આ ગામના લોકોએ માગણી કરી હતી કે, એટ્રોસિટી અને રાષ્ટ્રદ્રોહનો ગુનો ભાજપના મહિલા સભ્ય શૈલા પટેલ સામે દાખલ થવો જોઈએ અને જો આગામી 24 કલાકમાં પોલીસ ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે તો નાછુટકે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે.આ રજૂઆત કરવા માટે અનુસૂચિત જાતિના લોકો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા.હવે જોવાનું એ રહે છે કે, પોલીસ દ્વારા ભાજપના મહિલા સભ્ય સામે ગુનો દાખલ કરવામાં આવે છે કે, પછી લોકોને આંદોલન કરવાની ફરજ પડે છે.

Share Now