વિધાનસભમાં હેરોઇનના મુદ્દે હર્ષ સંઘવી ગાજવા જતા ભરાઈ પડ્યા : ભાજપના સિનયર મંત્રીઓએ પણ ભેદી મૌન ધારણ કર્યું ,વિરોધપક્ષે બોલાવ્યો હુરિયો

105

– ગૃહમંત્રીને વિરોધ પક્ષે ‘ગલી બોય’ કહેતા સરકારની બેઇજ્જતીથી ભાજપના સિનિયરોએ આંખોથી મંત્રી ઉપર ગુસ્સો ઠાલવ્યો

મુન્દ્રામાં અદાણી પોર્ટ ખાતે તાજેતરમાં પકડાયેલા રૃ. ૨૧ હજાર કરોડની કિંમતના હેરોઇનના જંગી જથ્થાને મામલે વિધાનસભાગૃહમાં પહેલાં જ દિવસે વટ પાડવા સાથે રોફ જમાવવાની હરકત યુવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ભારે પડી ગઈ હતી.મંત્રી લાજવાને બદલે ગાજે છે અને મંત્રી પદની ગરિમા ના જાળવી ગલીમાં ભાષણ કરતાં હોય તે ભાષામાં બોલે છે,એવા આક્ષેપો કરી વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યોએ એમનો હુરિયો બોલાવ,એમની વિરુદ્ધ સૂત્રો પોકારતાં,પ્રારંભે શૂરાતને ચઢેલા મંત્રીની આક્રમકતા છેવટે ઓસરી ગઈ હતી,અધૂરામાં પૂરું,ભાજપના સિનિયર સભ્યોની ઠપકાભરી નજરથી મંત્રી નરમ ઘેંશ જેવા થઈ ગયા હતા.

હર્ષ સંઘવીની વર્તણૂક જોઈને સ્પીકરનેય કહેવું પડયું હતું કે, પહેલીવાર વિધાનસભામાં બોલતા મંત્રીએ ઉશ્કેરાટ દાખવ્યો છે !

પ્રશ્નોત્તરી દરમિયાન ગૃહરાજ્યમંત્રીને લગતા પ્રશ્નોની ચર્ચા શરૃ થાય એ પહેલાં જ કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વીરજી કુમારે એમના સ્થાને બેઠા બેઠાં જ અદાણી પોર્ટથી પકડાયેલા હેરોઇનના મુદ્દે એવી કોમેન્ટ કરી હતી કે, પકડાયેલું હેરોઇન તો હિમશિલાનું ટોચકું જ છે અને આવું તો કેટલુંય ડ્રગ્સ અદાણીના પોર્ટથી દેશભરમાં પગ કરી ગયું હશે,ડ્રગ માફિયાઓ સાથેના મેળાપીપણાંથી રાજ્ય ‘ઊડતા ગુજરાત’ બની રહ્યું છે.ગૃહરાજ્યમંત્રીએ દારૃની પરમિટ અંગેના એજન્ડા ઉપરના સવાલનો જવાબ આપવાને બદલે સણસણતા આક્ષેપો અને એકદમ આક્રમકતાની મોટે ઘાંટે કહ્યું, મુંદ્રામાં એટીએસએ ૭૨ કલાક સુધી જાન જોખમમાં મૂકી ઓપરેશનને પાર પાડી ૭ ઇરાનીઓને ઝબ્બે કરી એમની પાસેથી ૩૦ કિલો હેરોઇન પકડયું છે,એને માટે તંત્રને અભિનંદન આપવાને બદલે આ રીતે ટીકા કરતા તમને શરમ આવવી જોઈએ આવું બોલતા મંત્રીના આ છેલ્લા શબ્દોને પગલે વિપક્ષી સભ્યો ઊભા થઈ ગયા હતા અને ગૃહમાં હંગામો મચી ગયો હતો.વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ શબ્દોથી મંત્રીને ટપારતાં કહ્યું કે, ગુજરાતમાંથી અદાણી પોર્ટ ઉપરથી તંત્ર સાથેની સાઠગાંઠમાં, સરકારની મીઠી નજરથી ડ્રગ માફિયાઓને ‘સેફ પેસેજ’ મળી રહ્યો છે અને યુવાધન ડ્રગ્સની ચુંગાલમાં સપડાઈ રહ્યા છે, ત્યારે લાજવાને બદલે કેમ ગાજો છો, શરમ અમને નહીં તમને આવવી જોઈએ.આ તબક્કે ઘોંઘાટ વચ્ચે ‘શરમ કરો… શરમ કરો…’, ‘હાય રે હર્ષ સંઘવી હાય હાય…’ ‘માફી માગો… માફી માગો…’ના નારા ગાજ્યા હતા.એ તબક્કે ખુદ સ્પીકર નીમા આચાર્યને પણ વારંવાર વિરોધ પક્ષના સભ્યોને કહેવું પડયું હતું,મંત્રી પહેલીવાર ગૃહમાં જવાબ આપી રહ્યા છે, એટલે ઉશ્કેરાટ થાય. આની સામે, ખોટો ઉશ્કેરાટ ના ચાલે… ના ચાલે… એમ પણ વિપક્ષી સભ્યો તરફથી કહેવાયું.

ગૃહનું વાતાવરણ કાબૂમાં આવતું ન હતું અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ક્યારનાય પોતાને રજૂઆતની તક આપવાની માગણી કરતા હતા, એટલે ગૃહમાં ઉત્તેજનાનો મામલો શાંત કરવા માટે અમિત ચાવડાને સ્પીકરે તક આપતા,તેમણે શિષ્ટભાષામાં ગૃહરાજ્યમંત્રીને ઠપકારતાં, કહ્યું કે, પુરોગામી ગૃહરાજ્યમંત્રી પાસેથી અનુભવના પાઠ લઈ મંત્રીએ એમના પદની ગરિમા સમજવી જોઈએ,ઉત્સાહ અને આવેગમાં આવી ગલીમાં ભાષણ કરતાં હોય તે રીતે ગૃહમાં ના બોલાય,મંત્રીને ગરિમાનું જરાય ભાન નથી,ગૃહમાં શાંતિથી જવાબ આપવા જોઈએ.અમિત ચાવડા રજૂઆત પૂરી કરે એ પહેલાં જ સ્પીકરે પ્રશ્નોત્તરીનો સમય પૂરો થયા
નું એલાન કરી દીધું હતું,એટલે મામલો એની રીતે જ ઠરી ગયો હતો.

આ સમગ્ર મામલા વખતે ગૃહરાજ્ય મંત્રીના હાવભાવ અને વલણથી શાસકપક્ષના સભ્યોનો હતપ્રત થઈ ગયા હતા અને ભાજપના સિનિયર સભ્યો એવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણી તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તો યુવા મંત્રીને સતત તાકી જ રહ્યા હતા.જોકે બાદમાં પોઇન્ટ ઓફ ઓર્ડર ઉડાવી ‘સરકારની મીઠી નજર’નો ઉલ્લેખ રેકર્ડ ઉપરથી રદ કરાવાયો હતો.

Share Now