ગાંધીનગરની ચૂંટણીમાં કરૂણ રકાસ પછી દૂરબીન લઇને શોધો તોય કોંગ્રેસી દેખાતા નથી : અમિતભાઇ શાહ

41

– કલોલના પાનસરમાં અમિત શાહનો હુંકાર
– કોંગ્રેસે 70 વર્ષમાં કરેલા કાર્યોની નરેન્દ્ર મોદીના 7 વર્ષના કાર્યો સાથે તુલના કરાય તો મોદીનું પલડું ભારે જણાશે

અમદાવાદ : લોકસભાની 2024ની ચૂંટણી પછી પણ દેશના પ્રધાનમંત્રી પદે નરેન્દ્ર મોદી જ બિરાજશે. અમદાવાદ નજીક કલોલ પાસે પાનેસરમાં લોકો માટે કરેલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરતાં કેન્દ્રના સહકાર મંત્રી અમિત શાહે પ્રસ્તુત જાહેરાત કરી હતી.

કોન્ગ્રેસે 70 વર્ષના શાસન કાળમાં જે કામ કર્યું છે તેની સરખામણી નરેન્દ્ર મોદીના સાત વર્ષના શાસનકાળના કાર્યો સાથે કરવામાં આવે તો નરેન્દ્ર મોદીનું પલડું ભારે જણાશે. 2024 સુધીમાં તેમણે દરેક ઘરમાં પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે.નલ સે જલના અભિયાન હેઠળ આ કામગીરી પાર પાડવા સક્રિય બન્યા છે.

કેન્દ્રિય સહકાર મંત્રીએ તેમની ગુજરાતની આજની મુલાકાત દરમિયાન બોલતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વિકાસ કાર્યો કરી બતાવ્યા છે તેનાથી પ્રભાવિત થઈને લોકો ભાજપને મત આપી રહ્યા છે.તેમના કાર્યોના જોરે જ ભારતીય જનતા પક્ષ ચૂંટણીઓમાં ફતેહ મેળવી રહ્યો છે.પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની સરાહના કરતાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વમાં એવો એક પણ દેશ નથી કે જેણે 130 કરોડ લોકોને વિના મૂલ્યે રસી આપી હોય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્ય કર્યું છે.

સાત વર્ષમાં તેમણે દેશના 60 કરોડ લોકોને બેન્ક એકાઉન્ટ ખોલી આપ્યા છે. 13 કરોડ લોકોને ઘરે રાંધણ ગેસ પહોંચાડયો છે. 10 કરોડ લોકોના ઘરમાં ટોયલેટ બંધાવી આપ્યા છે.તેમ જ 5 કરોડ લોકોના ઘરમાં લાઈટ પહોંચાડી તેમના જીવનમાંથી અંધકાર દૂર કર્યો છે. 20,000 ઘરમાં તો લાઈટ જ નહોતી. આ 20 લાખ ઘરમાં અજવાળું પાથરવાનું કામ કર્યું છે.

ગુજરાત અને કેન્દ્રના મળીને તેમના શાસનના 20 વર્ષ પૂરા થવા આવ્યા છે.આ ગાળામાં તેમણે માત્ર ને માત્ર જનહિતના જ કાર્યો કર્યા છે.ગાંધીનગર નગરપાલિકાની ચૂંટણીમાં કોન્ગ્રેસના થયેલા કરૂણ રકાસ અંગે બોલતા અમિત શાહે કહ્યું હતું કે દૂરબીન લઈને શોધો તો પણ દૂર સુધી કોન્ગ્રેસીઓ દેખાતા નથી.

ગુજરાતભરમાં જ્યાં જ્યાં ચૂંટણીઓ થઈ છે ત્યાં ત્યાં કોન્ગ્રેસનો કરૂણ રકાસ થયો છે.તેનાથી લાજવાને બદલે કોન્ગ્રેસીયા ગાજી રહ્યા છે.આ અગાઉ ગાંધીનગર રેલવે સ્ટેશન પર ટી સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટી સ્ટોલ પર મોટીની કુલડીમાં જ ચા પીરસવામાં આવશે.બીજા નોરતે તેમના વતન માણસામાં માતાજીની આરતીમાં ભાગ લીધો હતો.

Share Now