ધર્માન્તર કેસ : ફંડિંગ કરનાર આફમી ટ્રસ્ટના સલાઉદ્દીન અને ઉમર ગૌતમને લખનૌથી વડોદરા લવાશે

18

વડોદરા : યુપીના ચકચારી ધર્માન્તર કેસમાં ફંડિંગ કરનાર વડોદરાના આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન અને ધર્માન્તર રેકેટના સૂત્રધાર ઉમર ગૌતમને વડોદરા લાવવા માટે ફરી એક વાર પોલીસ સક્રિય બની છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,વડોદરા પોલીસે ધર્માન્તર માટે ફંડિંગના મુદ્દે આફમી ટ્રસ્ટના સલાઉદ્દીન તેમજ માસ્ટર માઇન્ડ ઉમર ગૌતમ સામે ગુનો નોંધ્યો હતો.જેમાં ક્રાઇમ બ્રાન્ચે સલાઉદ્દીનના એકાઉન્ટન્ટ મોહંમદ મનસૂરીની ધરપકડ કરી હતી.આ કેસમાં પોલીસે બંને મુખ્ય આરોપીને વડોદરા લાવવા માટે બે થી ત્રણ વાર લખનૌ જઇ આવી છે.આખરે પોલીસે નવેસરથી ટ્રાન્સફર વોરંટ રજૂ કર્યું છે.એસીપી ડીએસ ચૌહાણે કહ્યું હતું કે,આગામી પાંચેક દિવસમાં બંનેનો કબજો વડોદરા પોલીસને સોંપવા માટે હુકમ કરવામાં આવે તેવી શક્યતા છે.કોર્ટનો હુકમ આવે ત્યારબાદ વધુ તપાસ કરવામાં આવશે.

આ કેસમાં પોલીસે ટ્રસ્ટ સાથે સંકળાયેલા શાહનવાઝ પઠાણની પણ પૂછપરછ કરી હતી.પરંતુ તેમની કોઇ સંડોવણી બહાર આવી નથી.જ્યારે,આફમી ટ્રસ્ટને અનાજ આપનાર વેપારીઓની પણ પૂછપરછ કરી મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યા હતા.

Share Now