રાજકીય શત્રુઓ સામેના કેસોમાં જ રાજ્યો CBI તપાસની મંજૂર આપે છે

34

નવી દિલ્હી : દેશના ઓછામાં ઓછા આઠ રાજ્યોએ સીબીઆઇમાં વિશ્વાસ ન હોવાના બહાના હેઠળ આ તપાસ એજન્સી માટેની સામાન્ય સંમતીને પાછી ખેંચી લીધી છે.પરંતુ આ રાજ્યો પોતાને રાજકીય રીતે અનુકૂળ હોય તેવા કેસોમાં તપાસ કરવાની સીબીઆઇને પસંદગીની સંમતી આપે છે,એમ કેન્દ્રીય અધિકારિતા,જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંઘે જણાવ્યું હતું.રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પૂરક પ્રશ્નનો જવાબ આપતા સિંઘે જણાવ્યું હતું કે આ મુદ્દે વ્યાપક રાજકીય અને નૈતિક આત્મચિંતન કરવાની જરૂર છે.તેમણે જણાવ્યું હતું કે “હું દુઃખ સાથે કહું છું કે ઓછામાં ઓછા એવા આઠ રાજ્યોએ છે કે જેમને સીબીઆઇ માટેની સામાન્ય સંમતીને પાછી ખેંચી લીધી છે અને આક્ષેપ કર્યો છે તેમને આ એજન્સીમાં વિશ્વાસ નથી.પરંતુ આ રાજ્યો તેમને અનુકુળ હોય તેવા કેસોમાં એજન્સીને પોતાની પસંદગી મુજબની મંજૂરી આપી રહ્યાં છે.તેથી તેઓ સીબીઆઇમાં વિશ્વાસ ધરાવતા નથી અને સામાન્ય સંમતીને પાછા ખેંચી લીધી છે,પરંતુ હરીફોને ફસાવવાના હોય ત્યારે તેમને સીબીઆઇમાં વિશ્વાસ છે.”

પ્રધાને જણાવ્યું હતું કે મને લાગે છે કે રાજકીય અને નૈતિક સ્તરે તથા યોગ્યતાના સ્તરે પણ વ્યાપક આત્મચિંતન કરવાની જરૂર છે.ગુજરાતનું ઉદાહરણ આપતા પ્રધાને જણાવ્યું હતું કે 2014 પહેલા સીબીઆઇએ ગુજરાત સરકાર અને તેના પ્રધાનો સામે કેટલાંક કેસો દાખલ કર્યા હતા અને મુખ્યપ્રધાન સામે પણ આક્ષેપો થયા હતા.પરંતુ એકપણ વખત ગુજરાત સરકારે સામાન્ય સંમતી પાછી ખેંચી લીધી ન હતી. તેની જગ્યાએ સરકારે તપાસ એજન્સીને સહકાર આપ્યો હતો.આ એક મહત્ત્વનો મુદ્દો છે, જેના પર આત્મચિંતન કરવાની જરૂર છે.કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા કેટલાંક રાજ્યોએ રાજકીય કિન્નાખોરીના બહાના હેઠળ સીબીઆઇને કેસ દાખલ કરવાની સામાન્ય સંમતીને પાછી ખેંચી લીધી છે.દેશના મોટાભાગના રાજ્યોએ સીબીઆઇને સામાન્ય સંમતી આપેલી હોય છે.પરંતુ જો આવી સામાન્ય સંમતી પાછી ખેંચી લેવામાં આવે તો સીબીઆઇએ કેસ દાખલ કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે.આવા કિસ્સામાં રાજ્ય સરકાર ઇનકાર પણ કરી શકે છે.

Share Now