૨૪ કલાકમાં કોરોનાના ૯૮૨ કેસ વધ્યાં, અમદાવાદમાં કોરોનાના ૩૮૪૩ કેસ,પશ્ચિમ વિસ્તારમાં સ્ફોટક સંક્રમણ

126
  • એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના પચાસ દર્દી સારવાર હેઠળ,નવરંગપુરા,નારણપુરા,પાલડી,ચાંદખેડામાં સૌથી વધુ કેસ

અમદાવાદ,બુધવાર,12 જાન્યુ : અમદાવાદમાં મંગળવાર કરતા બુધવારે પુરા થયેલા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૯૮૨ કેસ વધતા બુધવારે શહેરમાં કોરોનાના નવા ૩૮૪૩ કેસ નોંધાયા હતા.કોરોનાના નવા નોંધાયેલા કેસમાં પશ્ચિમમાં આવેલા નવરંગપુરા,નારણપુરા ઉપરાંત પાલડી અને ચાંદખેડા વોર્ડમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના હાલમાં પચાસ દર્દી સારવાર હેઠળ છે.મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે નવા જાહેર કરેલા ૧૮ માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ પૈકી પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના ૧૨ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.

અમદાવાદમાં મંગળવારે કોરોનાના ૨૮૬૧ કેસ નોંધાયા હતા.બુધવારે કોરોનાના નવા ૩૮૪૩ કેસ નોંધાયા હતા.બુધવારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.૧૬૩૭ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુધવારે ઉત્તર-પશ્ચિમ ઝોનના ત્રણ સ્થળ ઉપરાંત પશ્ચિમ ઝોનના પાંચ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનના ચાર સ્થળને કોરોના સંક્રમણ વધતા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકયા છે.દક્ષિણ ઝોનના એક, પૂર્વ ઝોનના ત્રણ,મધ્ય ઝોનના અને ઉત્તરઝોનના એક-એક સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.શહેરમાં હાલમાં કુલ ૧૮૦ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે.

બુધવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીનીયર સીટીઝન ઉપરાંત હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર કેટેગરીમાં ૧૪૭૫૩ લોકોને કોરોના વેકિસનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.૧૫ થી ૧૮ વયના ૭૦૭૭ બાળકોને કોરોના વેકિસન અપાઈ હતી.૧૧૮૭૭ લોકોને કોરોના રસીનો પહેલો તથા ૧૪૭૫૩ લોકોને કોરોના રસીનો બીજો ડોઝ મળી કુલ ૩૮૪૬૯ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.

પાંચ દિવસમાં ૧૧,૯૬૯ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા.મ્યુનિ.તંત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસ દરમ્યાન કુલ ૮૮૨૬૨ લોકોના કોરોના ટેસ્ટ કરતા આ પૈકી ૧૧,૯૬૯ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

૧૧ દિવસમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ ૨૫ લાખ દંડ વસૂલાયો.મ્યુનિ.ની સોલિડ વેસ્ટ વિભાગની વિવિધ ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં માસ્ક વગર જોવા મળેલા ૨૪૪૯ લોકો પાસેથી દંડ વસુલવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ ના જાળવવા બદલ કરેલી કાર્યવાહી દરમ્યાન કુલ ૨૫ લાખ ૭૫ હજારની રકમ દંડ પેટે વસુલ કરવામાં આવી છે.જેમાં કતાર એરવેઝ અને વીઆઈડીએ કલીનીકલ રીસર્ચ પાસેથી એક લાખ રૃપિયા,લાલદરવાજા અને નહેરુનગર  બજાર પાસેથી અનુક્રમે ૨૫-૨૫ હજાર દંડ વસુલ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત રસમ હોટલ અને ડી માર્ટ પાસેથી ૧૧ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.લો ગાર્ડન વિસ્તારમાં આવેલ વી-માર્ટનું યુનિટ સીલ કરવામાં આવ્યું હતું.

મ્યુનિ.કોરોના ટેસ્ટ માટે નવ ખાનગી લેબોરેટરીની મદદ લેશે.અમદાવાદ મ્યુનિ.દ્વારા હાલમાં રોજ ચાર હજાર જેટલા આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે.જો કે આ સેમ્પલના ટેસ્ટીંગ કરવા એક માત્ર એસવીપી હોસ્પિટલમાં જ સુવિધા છે.એસવીપી હોસ્પિટલમાં રોજ એક હજારની આસપાસ સેમ્પલ ટેસ્ટ કરી શકાય છે.આ કારણથી રિપોર્ટ મોડા આવે છે.લોકોની ફરીયાદ વધતા મ્યુનિ.તંત્રે શહેરની નવ જેટલી ખાનગી લેબોરેટરી સાથે ટાઈઅપ કર્યુ હોવાનું હેલ્થ કમિટીના ચેરમેને પ્રતિક્રીયા આપતા કહ્યુ છે.મ્યુનિ.જે લેબોરેટરીમાં કોરોનાના દર્દીને આરટીપીસીઆર ટેસ્ટ કરવા મોકલશે એનુ પેમેન્ટ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચુકવવામાં આવશે એમ હેલ્થ ચેરમેનનું કહેવું છે.

Share Now