કોરોનાના ના કેસો નવી સપાટી ઉપર, અમદાવાદમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૮૩૯૧ નવા કેસ,છ દર્દીનાં મોત

54
  • ૧૯ દિવસમાં કોરોનાના ૧૮૩૭૫ કેસ નોંધાયા,એસ.વી.પી.હોસ્પિટલમાં ૧૦૪ પૈકી ૩૬ દર્દી ઓકિસજન-આઈસીયુ બેડ ઉપર સારવાર હેઠળ દાખલ

અમદાવાદ,બુધવાર,19 જાન્યુ : અમદાવાદ શહેર કોરોનાના કહેરમાં સપડાઈ ગયુ છે.બુધવારે રેકોર્ડબ્રેક કોરોનાના નવા ૮૩૯૧ કેસ નોંધાવાની સાથે છ દર્દીના મોત થવા પામ્યા હતા.૨૪ કલાકમાં ૨૩૯૩ કેસનો વધારો થવા પામ્યો હતો.આ વર્ષની શરૃઆતથી ૧૯ દિવસમાં જ કોરોનાના ૧૮૩૭૫ કેસ અને છ દિવસમાં કોરોના સંક્રમિત ૧૫ દર્દીના મોત થતા અમદાવાદના લોકો માટે હવે એલાર્મિંગ પરિસ્થિતિ આવી ગઈ છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના ૧૦૪ દર્દી પૈકી ૩૬ ર્દર્દી ઓકિસજન અને આઈસીયુ બેડ ઉપર સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.બુધવારે નોંધાયેલા કોરોનાના ૮૩૯૧ કેસોએ અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોની નવી સપાટી બનાવી છે.

૧૮ જાન્યુઆરીએ શહેરમાં કોરોનાના ૫૯૯૮ કેસ અને ત્રણ દર્દીના મોત થયા હતા.૧૯ જાન્યુઆરીએ ૨૪ કલાકમાં જ ૨૩૯૩ કેસ વધવાની સાથે કોરોનાના નવા ૮૩૯૧ કેસ નોંધાયા હતા.બુધવારે ૩૮૩૨ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.બુધવારે શહેરના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી ૧૫થી ૧૮ વર્ષની વયના ૩૮૯૯ બાળકોને રસી આપવામાં આવી હતી.૬૮૨૭ લોકોને કોરોના વેકિસનનો પહેલો અને ૧૩૪૦૭ લોકોને રસીનો બીજો ડોઝ સાથે કુલ ૨૬,૪૦૮ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.

પશ્ચિમ અને દક્ષિણ અમદાવાદના વિસ્તારોમાં વધી રહેલો કોરોનાના કેસ.અમદાવાદ શહેરમાં હાલની પરિસ્થિતિમાં કોરોનાના ૨૫ હજારથી પણ વધુ એકિટવ કેસ છે.આ પૈકી શહેરના પશ્ચિમ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોની સાથે દક્ષિણ ઝોનના અલગ અલગ વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા નવા સ્થળ અમદાવાદ શહેરમાં હાલમાં કુલ ૧૦૪ એકિટવ માઈક્રોકન્ટેઈન્મેન્ટ વિસ્તાર અમલમાં છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુધવારે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા સ્થળોમાં ઉત્તર ઝોનના બે, મધ્ય ઝોનના એક, દક્ષિણ ઝોનના પાંચ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનના અને પૂર્વ ઝોનના અનુક્રમે ત્રણ-ત્રણ સ્થળ તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનના ચાર અને પશ્ચિમ ઝોનના એક સંક્રમિત સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં સરસપુરમાં મોટી સાળવી વાડ,આલોક ટેનામેન્ટ,નાના ચિલોડા,શીલાલેખ એપાર્ટમેન્ટ,શાહીબાગ,શાયોના-૨, મણિનગર,એવલોન કોટયાર્ડ-૨,રામેશ્વર પાર્ક સોસાયટી.દક્ષિણી સોસાયટી,નિલકમલ એપાર્ટમેન્ટ,કાંકરીયા,મુરલીધર વિભાગ-૩,જીવાભાઈ ટાવર,બોડકદેવ, સહજાનંદ ઓએસીસ,મેમનગર,મણીચંદ્ર સોસાયટી,સુરધારા સર્કલ,જીવન રેસિડેન્સી,વસ્ત્રાલ, ગેલેક્ષી કોરલ,વસ્ત્રાલ, સારથી એનેક્ષી,નિકોલ,મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ,સાઉથ બોપલ,ડોમેન હાઈટસ,સેટેલાઈટ,શિવ ટાવર,સેટેલાઈટ,ઉત્સવ રેસિડેન્સી,ચાંદખેડાના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

Share Now