હવે સ્ટીલ્થ ઓમિક્રોને વધાર્યો ડર,જાણો તેના લીધે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ કેટલું?

70

ઓમિક્રોનના BA.2 સબ વેરિએન્ટમાં એવું કોઈ વિશેષ મ્યુટેશન નથી મળ્યું જે તેને ડેલ્ટાથી અલગ પાડે પણ તે RT-PCR ટેસ્ટમાંથી છટકી શકે છે

નવી દિલ્હી,તા.24 જાન્યુઆરી,સોમવાર
: ઓમિક્રોનના કહેર બાદ હવે સ્ટીલ્થ ઓમિક્રોને લોકોમાં ડર વધાર્યો છે.ઓમિક્રોનના સબ વેરિએન્ટ સ્ટીલ્થ ઓમિક્રોન (BA.2)ને મૂળ ઓમિક્રોન કરતાં પણ ખૂબ વધુ સંક્રામક માનવામાં આવે છે.અત્યાર સુધીમાં સ્ટીલ્થ ઓમિક્રોનના સૌથી વધારે સેમ્પલ ભારત સહિત ડેનમાર્ક,બ્રિટન,સ્વીડન અને સિંગાપુરમાંથી મળી આવ્યા છે.આ સબ વેરિએન્ટ યુરોપીય દેશોમાં ખૂબ ઝડપથી પોતાનો પગ પ્રસારી રહ્યો છે.તેના સૌથી વધારે ટ્રાન્સમિસિબલ સ્ટ્રેઈનને જોતાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે,તે કોવિડ-19ની લહેરને વધુ વિકટ બનાવી શકે છે.

શું છે સ્ટીલ્થ ઓમિક્રોનઃ UK સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ સ્ટીલ્થ ઓમિક્રોનની ઓળખ કરી છે.UKHSAના ઈન્સીડેન્ટ ડાયરેક્ટર ડોક્ટર મીરા ચંદે જણાવ્યું કે,’વિકસિત અને મ્યુટેટ હોવું એ વાયરસનો નેચર છે માટે એવી આશા રાખી શકાય કે,આગામી સમયમાં આપણને અનેક નવા-નવા વેરિએન્ટ્સ જોવા મળી શકે.આપણે જીનોમિક સર્વેલાન્સની મદદથી તેની ઓળખ કરી શકીએ છીએ અને તે ગંભીર છે કે નહીં તે પણ જાણી શકીએ છીએ.આ સબ-લીનિએજ (sub lineage)ની ઓળખ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી.

સ્ટીલ્થ ઓમિક્રોનની ઓળખઃ બ્રિટનમાં સ્ટીલ્થ ઓમિક્રોન એટલે કે,BA.2 સબ વેરિએન્ટના 426 કેસની ઓળખ કરવામાં આવી છે.UKHSAના કહેવા પ્રમાણે હાલ વાયરલ જીનોમમાં બદલાવ અંગે નિશ્ચિતરૂપે કશું ન કહી શકાય પરંતુ પ્રાથમિક ગણતરીથી જાણવા મળ્યું છે કે,ઓરિજનલ ઓમિક્રોન BA.1ની સરખામણીએ સ્ટીલ્થ ઓમિક્રોન (BA.2)નો ગ્રોથ રેટ વધ્યો છે.UKHSAના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં 40 દેશોમાં સ્ટીલ્થ ઓમિક્રોન મળી આવ્યો છે અને તે સૌથી વધારે ડેનમાર્કમાં ફેલાઈ રહ્યો છે.

વૈજ્ઞાનિકોનો મત : સ્ટેટન્સ સીરમ ઈન્સ્ટિટ્યુટ (SSI)ના એક સંશોધક એંડર્સ ફોર્મ્સગાર્ડના કહેવા પ્રમાણે ‘બધા જ વેરિએન્ટના ઝડપી વિકાસને હાલ સરખી રીતે નહીં સમજાવી શકાય. તેના ગ્રોથને લઈને હું હેરાન છું પરંતુ ચિંતિત નથી.બની શકે કે,તે વસ્તીમાં ઈમ્યુનિટી પ્રત્યે વધારે પ્રતિરોધક છે જેના કારણે તે લોકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે.એ પણ શક્ય છે કે,BA.1થી સંક્રમિત થયા બાદ તમે BA.2ની લપેટમાં પણ આવો.આ એક સંભાવના છે અને આપણે તે માટે તૈયાર રહેવું પડશે.આ સ્થિતિમાં અમે આ મહામારીના 2 પીક જોઈ રહ્યા છીએ.’

હોસ્પિટલ જવા અંગેઃ ડેનમાર્કના SSIના પ્રાથમિક ડેટા પ્રમાણે BA.1ની સરખામણીએ BA.2 માટે હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં કોઈ અંતર નથી જોવા મળ્યું.ઓમિક્રોનના BA.2 સબ વેરિએન્ટમાં એવું કોઈ વિશેષ મ્યુટેશન નથી મળ્યું જેની મદદથી તેને ડેલ્ટાથી સરળતાથી અલગ પાડી શકાય.આ તરફ અનેક હેલ્થ એક્સપર્ટ્સે એવો દાવો કર્યો છે કે,આ સબ વેરિએન્ટ RT-PCR ટેસ્ટમાંથી પણ બચી શકે છે.

Share Now