મમતાની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગેની બેઠકમાં ટોચના ડાબેરી નેતાઓ નહીં જાય

36

નવી િદલ્હી : રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓના સંયુક્ત ઉમેદવારના નામ પર ચર્ચા કરવા માટે મમતા બેનર્જીએ બોલાવેલી બેઠકમાં CPI અને CPM ભાગ લેશે નહીં.ડાબેરી પક્ષોના નેતાઓએ આ વાત જણાવી હતી.CPI-Mના મહાસચિવ સીતારામ યેચુરીએ મંગળવારે કહ્યું હતું કે CPI(M) 15 જૂને મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર અંગે ચર્ચા કરવા માટે બોલાવેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ભાગ લેશે નહીં.સીતારામ યેચુરીએ વધુમાં જણાવ્યું હતું કે એનસીપી વડા શરદ પવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓના ઉમેદવાર બનવાનો ઇનકાર કરી દીધો છે.

શરદ પવાર સીતારામ યેચુરી,સીપીઆઈના મહાસચિવ ડી રાજા અને એનસીપીના નેતાઓ પ્રફુલ પટેલ અને પીસી ચાકોને દિલ્હીમાં મળ્યા હતા અને પોતે ચૂંટણી ન લડવાના નિર્ણયની તેમને જાણ કરી હતી. યેચુરીએ કહ્યું,“મને કહેવામાં આવ્યું છે કે પવાર રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષનો ચહેરો નહીં હોય,અન્ય નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.”સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજાએ કહ્યું હતું કે પાર્ટીના ટોચના નેતાઓ મમતા બેનર્જીની બેઠકમાં હાજરી આપશે નહીં.બેઠકમાં સીપીએમનું પ્રતિનિધિત્વ રાજ્યસભામાં પાર્ટીના નેતા એલમારામ કરીમ કરશે.બંને ડાબેરી પક્ષોએ આવી બેઠક બોલાવવાના બેનર્જીના “એકપક્ષીય” નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો હતો.સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ રાષ્ટ્રપતિપદ માટે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર અંગે ચર્ચા કરવા મમતા બેનર્જી દ્વારા બોલાવવામાં આવેલી રાજકીય પક્ષોની બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે.તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે,જેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા પણ છે,જયરામ રમેશ અને રણદીપ સુરજેવાલા પાર્ટી વતી બેઠકમાં ભાગ લઈ શકે છે.

Share Now