સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધને લઈને વેપારીઓ મૂંઝવણમાં

20

સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામાન્ય રીતે એવી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ માત્ર એક જ વાર કરવામાં આવે છે અને રીસાઇક્લિંગ પ્રક્રિયા માટે થતો નથી પ્લાસ્ટિકના પ્રદૂષણના જોખમને ઘટાડવા માટેના એક મહત્ત્વપૂર્ણ પગલા તરીકે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ગઈ કાલથી સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.એમાં પ્લાસ્ટિકની લાકડીઓ સાથેનાં ઇયરબડ્સ,ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિકની લાકડીઓ,પ્લાસ્ટિકના ધ્વજ,મીઠાઈની લાકડીઓ,આઇસક્રીમની લાકડીઓ,સુશોભન માટે પૉલિસ્ટરીન(થર્મોકોલ)પ્લેટ્સ,કપ,ચશ્માં,કટલરી જેમ કે કાંટો,ચમચી,છરીઓ,સ્ટ્રૉ,ટ્રે,રૅપિંગ અથવા પૅકિંગ સ્વીટ-બૉક્સ, આમંત્રણકાર્ડ અને સિગારેટનાં પૅકેટ,૧૦૦ માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકનાં અથવા પીવીસીનાં બેનરો અને સ્ટિકર્સની આસપાસની ફિલ્મો જેવી અનેક આઇટમોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામાન્ય રીતે એવી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ માત્ર એક જ વાર કરવામાં આવે છે અને રીસાઇક્લિંગ પ્રક્રિયા માટે થતો નથી.એને લીધે સરકારે એના પર પ્રતિબંધ મૂક્યો છે.મુંબઈ અને મહારાષ્ટ્રના દુકાનદારો કહે છે કે‘સરકારના આ કાયદામાં હજી ક્ષતિઓ છે જેને લીધે અમે મૂંઝવણમાં છીએ.બાકી તો અમે ૨૦૧૮થી જ કાયદાના અમલની શરૂઆત કરી દીધી છે.જોકે મૅન્યુફૅક્ચરરોની કાયદાકીય લડત હજી ચાલી રહી છે.’

અમે કૅરીબૅગ્સની બાબતમાં મૂંઝવણમાં છીએ એમ જણાવતાં મસ્જિદ બંદરમાં પ્લાસ્ટિકની આઇટમોમાંથી ધીરે-ધીરે અન્ય આઇટમોમાં બિઝનેસ પરિવર્તિત કરી રહેલા પ્લાસ્ટિકના ડીલર કલ્પેશ કારિયાએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘સરકાર જે કરે છે એ આપણા સૌના ભલા માટે કરે છે.એ દૃષ્ટિ રાખીને મેં ૨૦૧૮થી જ મારા બિઝનેસમાં પરિવર્તન શરૂ કરી દીધું છે.હું કોઈ પણ કાયદાકીય ગૂંચવણમાં પડવા માગતો નથી.જોકે કેન્દ્ર સરકારે ગઈ કાલથી જે આઇટમો પર પ્રતિબંધ લાદ્યો છે એમાં કૅરીબૅગના સંબંધમાં સ્પષ્ટતાની જરૂર છે જે અમને કોઈ આપતું નથી.

એક બાજુ તેઓ કહે છે કે હૅન્ડલ વગરની અને હૅન્ડલવાળી કૅરીબૅગ,પણ હૅન્ડલ વગરની કૅરીબૅગ તો પૅકિંગમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો શું એના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? કોઈ પણ કાયદાકીય ઍક્શન લેતાં પહેલાં બીએમસીએ અને સરકારે આના પર સેમિનાર યોજીને વેપારીઓને અને ઉપભોક્તાઓને સંપૂર્ણ નૉલેજ આપવાની જરૂર છે.’

Share Now