શિંદે-ભાજપ સરકાર વિધાનસભામાં 4થી જુલાઈએ વિશ્વાસ મત મેળવશે

31

મુંબઈ : મહારાષ્ટ્રમાં નવી રચાયેલી એકનાથ શિંદેના વડપણ હેઠળની અને ભાજપની ભાગીદારી ધરાવતી સરકારનો વિશ્વાસ મત આગામી તા.ચોથી જુલાઈએ યોજાશે.આ માટે તા.ત્રીજી જુલાઈથી બે દિવસનું વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે.વિશ્વાસ મત પહેલાં સત્તાધારી યુતિ પોતાના સ્પીકરની વરણી કરશે અને તેમના નેજા હેઠળ જ બીજા દિવસે વિશ્વાસ મત લેવાશે.

એકનાથ શિંદે જૂથના ૩૯ ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેની નેતાગીરીમાં અવિશ્વાસ વ્યક્ત કર્યા બાદ સરકાર લઘુૂમતીમાં મુકાઈ હતી.તા.૩૦મી જુને વિશ્વાસ મતનો સામનો કરવાને બદલે આગલી રાતે જ ઉદ્ધવે મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.તે પછી રાજકીય ઘટનાક્રમ રુપે ગઇકાલે એકનાથ શિંદેએ મુખ્યપ્રધાનપદના શપથ લીધા હતા જ્યારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યપ્રધાન તરીકે સરકારમાં જોડાયા છે.

હવે નવી સરકાર સૌ પહેલાં તો વિધાનસભાના વૈધાનિક એજન્ડાને પાર પાડશે. નવી સરકારે વિશ્વાસ મત સાબિત કરવાનો છે.પરંતુ,હાલ વિધાનસભામાં સ્પીકરની જગ્યા ખાલી છે.એનસીપીના નરહરિ ઝિરવાડ ડેપ્યૂટી સ્પીકર છે.સ્વાભાવિક રીતે જ સરકાર એનસીપીના ડેપ્યૂટી સ્પીકરના નેજા હેઠળ વિશ્વાસ મત યોજાય તેમ ઈચ્છતી નથી.આ સંદર્ભમાં ગવર્નરના આદેશના પગલે વિધાનસભાની ૩ અને ૪ જુલાઈના રોજ સ્પેશિયલ અધિવેશન બોલાવાયું છે.તેમાં ત્રીજી જુલાઈના રવિવારે રાજ્યના સ્પીકરની ચૂંટણી થશે અને ચોથી જુલાઈના રોજ સત્તાધારી શિંદે સરકાર વિશ્વાસ મત રજૂ કરશે.સ્પીકર પદે ભાજપના રાહુલ નાર્વેકરે ફોર્મ ભરી દીધું છે.જો વિપક્ષ તરફથી કોઈ ઉમેદવાર ફોર્મ ભરશે તો ચૂંટણીની જરુર પડશે.

Share Now