સુરત, તા:૭ : રાજ્યભરના તલાટી મહામંડળ દ્વારા પડતર માગણીઓના મુદ્દે ૨જી ઓગસ્ટથી રાજ્ય વ્યાપી હડતાલની શરૂઆત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સુરત જિલ્લાની ૫૬૬ ગ્રામ પંચાયતોમાં. ૪૨૭ તલાટી ક્રમ મંત્રીઓના મંજૂર મહેકમ સામે ૩૨૨ જગ્યાઓ ભરેલી છે જ્યારે ૧૦૫ ગ્રામ પંચાયતોનુ ઇન્ચાર્જ તલાટીઓ થી સરકાર દ્વારા ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે.ગ્રામ પંચાયતોમાં તલાટી મંત્રીઓની ઘટ નિવારવા તાત્કાલિક પગલા લેવા માટે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પૂર્વ વિપક્ષી નેતા અને સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
નોંધનીય છે કે રાજ્ય સરકાર શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવાની સુફિયાણી વાતો કરી રહી છે પણ આશ્ચર્ય વચ્ચે માંડવી તાલુકાના એક તલાટી ક્રમ મંત્રી પાસે છ ગ્રામ પંચાયત અને સોળ ગામનો વહીવટ માથે ઠોકી દેવામાં આવ્યો છે.ઉપરથી છોગામાં વિસ્તરણ અધિકારી તરીકેની પણ વધારાની કામગીરીનો બોજો શીર પર નાખવામાં આવ્યો છે.આ તો એક જ તલાટી ક્રમ મંત્રીની વાત કરવામાં આવી છે બાકી અસંખ્ય તલાટી ક્રમ મંત્રીઓ એવા હશે કે જે કામગીરીના ભારણથી માનસિક તાણ અનુભવી રહ્યા હોવાનું જાણવા મળે છે.એક તરફ સરકાર દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના લોકોના સમયસર કામો થતા નથી એ પણ નક્કર સત્ય હકીકત છે.
આ અંગે જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અને સહકારી આગેવાન દર્શન નાયકએ સરકારને આડેહાથ લેતા અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે જિલ્લામાં ૫૬૬ ગ્રામ પંચાયતો આવેલી છે ગ્રામ પંચાયતોનો વહીવટ સુચારું અને લોક ઉપયોગી બનાવવા માટે તલાટી મંત્રી પંચાયતના હૃદય સમાન છે.જિલ્લામાં ૪૨૭ તલાટી ક્રમ મંત્રીના મંજૂર મહેકમ સામે માત્ર ૩૨૨ તલાટી ક્રમ મંત્રીઓની જગ્યાઓ ભરાયેલી છે સામે ૧૦૫ તલાટીઓની જગ્યા લાંબા સમયથી ખાલી છે એટલે કે જિલ્લામાં અનેક ગ્રામ પંચાયતોમાં સ્વતંત્ર કારભાર ધરાવતા તલાટી ક્રમ મંત્રી નથી એક એક તલાટીઓ પાસે બે -ત્રણ કે ચાર – ચાર ગામનો ચાર્જ સોપાયેલા છે જેના કારણે એક પણ ગામના લોકોના પંચાયતને લગતા દાખલા,આવક,જાતિ,વહીવટ,ખેતીને લગતા કામ સમયસર થતા નથી.પરિણામે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે અને લોકોના કામ સરળતાથી થતા નથી લોકોને નાના નાના કામ માટે કેટલાય ધરમ ધક્કા ખાવા પડે છે.ખાલી જગ્યાઓનું મહેકમ ભરવા માટે સમયાંતરે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ સરકારની નિયત સાફ હોવાનું જણાઈ આવતું નથી.સુરત જિલ્લાના નવ તાલુકાઓ પૈકી માંડવી,માંગરોળ,મહુવા,ઉમરપાડા જેવા તાલુકા આદિવાસી બેલ્ટ ધરાવતા તાલુકા છે.
તલાટી મંત્રીઓ કયા સેજા ઉપર હાજર હોય એનું કોઈ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું નથી.હાલમાં કાર્યરત તલાટી મંત્રીઓ પણ અપાર માનસિક તાણ.કામના ભારણ સાથે એકથી વધુ ગામોના ચાર્જમાં કામ કરી રહ્યા છે અને વળી ઉપરથી ગામોમાં અને આખા જિલ્લામાં પશુપાલકોને દાખલાઓ આપવા સહિતની કામગીરી પણ તલાટીઓના સીરે થોભી દેવામાં આવી છે. આવા પશુપાલકોના પશુઓના મોત થવાના કિસ્સામાં કે અન્ય સરકારી યોજનાઓમાં સરકારી વળતર.લોન સહાય અપાવવા જે પ્રક્રિયા થવી જોઈએ જે ગ્રામ પંચાયત લેવલેથી જ થાય છે પરંતુ કમનસિબે જ્યાં પૂરતો સ્ટાફ જ ન હોય ત્યાં લોકોને સહાય કોણ અપાવશે..? ઉપરાંત વિવિધ પડતર માગણીઓના મુદ્દે રાજ્યભરના તલાટીઓએ અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે આજે પાંચ પાંચ દિવસ થી તલાટીઓની હડતાલ છતાં સરકાર એક હરફ પણ ઉચ્ચારવા તૈયાર નથી કે પછી આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.જેનો ભોગ ગ્રામીણ પ્રજા બની રહી હોવાનો સવાલ ખેડૂત અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.