તલાસરીમાં થયેલા વધુ એક અકસ્માતમાં સિલવાસાના બે ગુજરાતીનાં થયાં મોત

54

– ધ્વનિત પટેલ અને હિતેન્દ્ર રાઠોડના મૃતદેહ તલાસરીની ગ્રામીણ હૉસ્પિટલ લઈ જવાયા હતા અને ત્યાં તેમનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું

નૅશનલ હાઇવે નંબર ૪૮ પર મુંબઈથી અમદાવાદ વચ્ચે મંગળવારે બપોરે થયેલા એક ગોઝારા અકસ્માતમાં સિલવાસાના બાવન વર્ષના ધ્વનિત પટેલ અને બાવન વર્ષના હિતેન્દ્ર રાઠોડનાં કરુણ મોત થયાં હતાં.તલાસરી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર ધ્વનિત પટેલ અને હિતેન્દ્ર રાઠોડ મુંબઈથી સિલવાસા જઈ રહ્યા હતા ત્યારે બપોરે ૧.૪૫ વાગ્યે આમગાવ બ્રિજ પર આ અકસ્માત થયો હતો.સ્ટિયરિંગ વ્હીલ પરથી કન્ટ્રોલ છૂટી જતાં તેમની મારુતિ સુઝુકી અર્ટિગા ડિવાઇડર ક્રૉસ કરીને સામેની તરફ ચાલી ગઈ હતી.એ વખતે સામેથી આવી રહેલા ટેમ્પો સાથે એ જોશથી અથડાતાં અર્ટિગાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.બંનેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.સામેના ટેમ્પોના ડ્રાઇવર ભુવનેશ્વર જાધવને પણ આ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી.ધ્વનિત પટેલ અને હિતેન્દ્ર રાઠોડના મૃતદેહ તલાસરીની ગ્રામીણ હૉસ્પિટલ લઈ જવાયા હતા અને ત્યાં તેમનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું.

Share Now