ભાજપની લોકસભા માટે તૈયારીઓ શરૂ, CRપાટીલે કરી મોટી જાહેરાત

88

ગત વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ ભાજપની નજર હવે 2024ની લોકસભા ચૂંટણી પર હોય તેમ લાગી રહ્યું છે.હકીકતમાં ગુજરાત ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે હવે લોકસભા ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો પર કબજો જમાવવા માટે ભાજપ દ્વારા અત્યારથી કમર કસવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આજે સીઆર પાટીલે દરેક બેઠક પર અલગથી પ્રભારી મૂકવાની જાહેરાત કરી છે.જે અંતર્ગત નવસારી લોકસભા બેઠક પર સૌ પ્રથમ જાહેરાત કરવામાં આવી છે.જેમાં નવસારી લોકસભા બેઠકની જવાબદારી અશોક ધોરાજીયાને જવાબદારી સોંપવામાં આવી છે.જણાવી દઈએ કે, હાલમાં રાજ્યભરમાં ભાજપના કાર્યકર્તાઓની સક્રિયતા તપાસ માટેની કામગીરી ચાલી રહી છે.જેમાં 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે 50 ટકાથી ઓછું મતદાન થયું હોય તેવા બૂથ પર પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.આવા બૂથ પર કાર્યકર્તાઓની સક્રિયતા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષના અંતમાં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત સાતમી વખત જીત મેળવી હતી.જે ગુજરાતમાં ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે.ચૂંટણી પૂર્વે 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક લઈને ચાલનારી ભાજપના ખાતામાં 156 બેઠકો આવી હતી.

ખાસ વાત એ હતી કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સરકાર છે,જ્યારે છેલ્લા 8 વર્ષથી ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની ડબલ એન્જિનની સરકાર સત્તામાં છે.આમ છતાં આ વખતની ચૂંટણીમાં એન્ટી ઈન્કમ્બન્સી જેવું ફેક્ટર જોવા નહતું મળ્યું અને જનતાએ ખોબલે-ખોબલે મત આપીને ભાજપને જીતાડ્યું.બીજી તરફ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠકો જીતનારી કોંગ્રેસ પાર્ટી 2022માં 17 સીટો પર સમેટાઈને રહી ગઈ.જ્યારે આમ આદમી પાર્ટીએ પણ 5 બેઠકો પર જીત મેળવી છે.

Share Now