હવે સરકારી દબાણો ઉપર પણ હથોડો:વલસાડની મ્યુનિસિપલ હાઇસ્કૂલની 1200 ફૂટ લાંબી દીવાલ ઉપર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું

189

વલસાડ નગરપાલિકા સંચાલિત ડીએમડીજી ઘાસવાલા મ્યુનિસિપલ હાઈસ્કૂલની માર્જિનમાં આવતી કંપાઉન્ડ વોલ ઉપર બુલડોઝર ફેરવી દેતાં દબાણકર્તાઓમાં ફફડાટ પેસી ગયો છે.ખુદ પાલિકાની જ હાઈસ્કૂલની 1200 ફુટ લાંબી દિવાલનું ડિમોલિશન હાથ ધરવા પાલિકાની ટીમ કામે લાગી હતી.વલસાડમાં ઓક્ટોબરમાં સૌથી મોટું ડિમોલિશન નવરંગ લસ્સીના ટીપી રિઝર્વ પાર્કિંગ પ્લોટમાંથી 80થી વધુ કેબિનો દૂર કરાયા બાદ તબક્કાવાર રોડ માર્જિનના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

છેલ્લા એક માસથી રોડ માર્જિનના નડતર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી થઇ શકી ન હતી. જોકે દશેરા ટેકરી વિસ્તારમાંથી પસાર થતાં રોડના માર્જિનમાંથી 25થી વધુ દૂકાનો કેબિનો પાલિકાની સૂચનાથી સ્વૈચ્છિક ડિમોલિશન પણ કરાયુું હતું.હવે આ જ રોડ પર આવેલી નગરપાલિકા સંચાલિત ડીએમડીજી ઘાસવાલા સ્કૂલની કંપાઉન્ડ દિવાલ ઉપર ખુદ પાલિકાએ જ જેસીબી લાવી બુલડોઝર ફેરવી દેતાં અન્ય દબાણકર્તાઓમાં હલચલ મચી ગઇ હતી.

આ કાર્યવાહી માટે સીઓ જે.યુ.વસાવાએ પાલિકાના બાંધકામ શાખાની સિટી ઇજનરે હિતેશ પટેલ સાથે પરામર્શ કર્યા બાદ પાલિકાના એન્ક્રોચમેન્ટના મહેશ ચૌહાણ તથા ટીમ જેસીબી સાથે હાઈસ્કૂલ પર પહોંચી 1200 ફૂટ લાંબી કંપાઉન્ડ દીવાલ તોડવાની કામગીરી હાથ ધરી હતી.

દીવાલ 2.50 કરોડના ખર્ચે રિનોવેટ કરી હતી
વલસાડ પાલિકાએ રૂ.2.50 કરોડના ખર્ચે નવી સ્કૂલ બનાવી છે,પરંતું આ હાઇસ્કૂલના નવા સંકુલની કમ્પાઉન્ડની જૂની દિવાલ બનાવવાની બાકી હતી.દરમિયાન પાલિકાએ રોડ પર બીજા દબાણો દૂર કરવા પહેલા અન્ય દબાણકારોમાં દાખલો બેસાડવા માટે વહીવટી તંત્રએ નગરપાલિકા સંચાલિત હાઇસ્કૂલની જ દિવાલ પર જેસીબીના હથોડા ઝિંક્યા છે.

અન્ય દબાણો દૂર કરવા દિવાલનું ડિમોલિશન
વલસાડમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે અગાઉ કલેકટર આર.આર.રાવલ અને એસપી ડો.રાજદિપસિંહ ઝાલા અને પાલિકા સાથેની બેઠકમાં રોડ માર્જિનના દબાણો દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી.રોડ માર્જિનમાં દશેરી ટેકરીથી આરપીએફ સુધીના રસ્તા પર માર્જિનમાં આવતા અન્ય દબાણ હટાવવા માટે પાલિકાએ કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

Share Now