અમેરિકામાં કોરોનાનું તાંડવ યથાવત : 24 કલાકમાં 2 હજારથી વધુના મોત

34

– વૈશ્વિક મૃત્યુઆંકમાં અમેરિકા ઈટાલીને ઓવરટેક કરી ગયું
– અમેરિકી અર્થતંત્રને ફરીથી ધમધમતું કરવું એ મારા માટે સૌથી મોટો નિર્ણય હશે : અમેરિકી પ્રમુખ

વૉશિંગ્ટન, તા. 11 એપ્રિલ 2020, શનિવાર

અમેરિકા માટે ગઈ કાલનો દિવસ ઘાતક સાબિત થયો હતો. ૧૦-૧૧ એપ્રિલના ૨૪ કલાકમાં કુલ ૨૦૦૦ મોત સમગ્ર અમેરિકામાં નોંધાયા હતા. એક જ દિવસમાં અમેરિકામાં થયેલા મોતનો આ સૌથી મોટો આંક છે.યુરોપના દેશોમાં કોરોનાની ગતી જરા અટકી હોય એવુ લાગે છે. ઘણા દેશોમાં મૃત્યુઆંક અને ચેપની સંખ્યા ધીમી પડી રહી છે.

ઈટાલી, ફ્રાન્સ, સ્પેન વગેરે દેશોએ મૃત્યુઆંક ઓછો થયો હોવાના અહેવાલો રજૂ કર્યા હતા. અત્યારે સૌથી વધુ મૃત્યુઆંક ઈટાલી ધરાવતો હતો. હવે અમેરિકા તેને ઓવરટેક કરી ગયુું છે.

ઈટાલીમાં અત્યાર સુધીમાં ૧૮,૮૪૯ મૃત્યુ નોંધાયા છે, જ્યારે અમેરિકામાં આંકડો ૧૮,૭૦૦ ઉપર પહોંચી ગયો છે. અમેરિકામાં કેસની સંખ્યા પણ પાંચ લાખ ઉપર પહોંચી છે, જ્યારે સમગ્ર વિશ્વમાં કેસ ૧૭.૨૫ લાખથી વધારે અને મૃત્યુઆંક ૧ લાખ ઉપર નોંધાયો છે. જગતભરમાં ચારેક લાખ દરદી સાજા પણ થયા છે.

બ્રિટનમાં શુક્રવારે ૨૧૦૮ કેસ નોંધાયા હતા,જે કોઈ પણ દેશમાં ૨૪ કલાકમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. બીજી તરફ ન્યૂ યોર્કના ગવર્નરે કહ્યુ હતુ કે ન્યૂ યોર્ક શહેર ગીચ વસ્તી ધરાવે છે. માટે ત્યાં કેસ વધી રહ્યા છે.ન્યૂ યોર્ક શહેરમાં ૯૩ હજારથી વધારે કેસ થયા છે. બીજી તરફ અહીં વર્ષે ૬ કરોડ પ્રવાસી આવતા હોય છે, જેણે પણ વાઈરસ ફેલાવામાં મોટો ફાળો આપ્યો હોઈ શકે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુ કે અમેરિકાના અર્થતંત્રને ફરીથી ધમધમતું કરવાનો નિર્ણય ટૂંક સમયમાં જ લેેવાશે.એ નિર્ણય મારી જિંદગીનો અને અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો નિર્ણય હશે.ટ્રમ્પે ઉમેર્યું હતું કે અત્યારે વિવિધ પક્ષકારો સાથે વાતો ચાલી રહી છે કે દેશને ફરીથી ક્યારે ખોલી દેવો.અત્યારે અમેરિકાની ૯૫ ટકા પ્રજા લૉકડાઉન હેઠળ છે.આ તકે ટ્રમ્પે અમેરિકી પ્રજા ભારે શિસ્તબદ્ધ અને સમજદાર છે એવી પ્રસંશા કરી હતી.

ન્યૂ યોર્કમાં મોટી સંખ્યામાં મોત થતાં હોવાથી લાશોની સંખ્યા વધી પડી છે.ઘણી લાશો બિનવારસી છે.માટે સત્તાધિશોએ શહેરથી દૂર આ લાશોની અંતિમવિધિ કરવાની શરૂઆત કરી દીધી છે.નક્કી કરેલા અંતિમ સ્થળોએ સપ્તાહમાં પાંચ દિવસ લાશોને દાટવાની વિધિ કરવામાં આવે છે.

ચીન-ભારત વિકાસશીલ દેશ હોય તો અમે પણ વિકાસશીલ : ટ્રમ્પ

કોરોનાએ અમેરિકા-ચીનને ઝઘડો કરવાનું નવું કારણ આપી દીધું છે.હવે બન્ને દેશો વચ્ચે નીચી પાયરીએ ઉતરવાની સ્પર્ધા શરૂ થઈ છે.ટ્રમ્પે કહ્યુ હતુ કે જો ચીન-ભારતની ગણતરી વિકાસશીલ (અન્ડર ડેવલપિંગ) રાષ્ટ્ર તરીકે થતી હોય તો અમેરિકા પણ વિકાસશીલ દેશ ગણાવો જોઈએ.વિશ્વના દેશો આર્થિક રીતે વિકસી, વિકાસશીલ,અર્ધવિકસિત વગેરે પ્રકારે વિભાજીત થયેલા છે.જે દેશો વિકસી રહ્યા હોય (જેમ કે ભારત, બ્રાઝિલ) એ વિકાસશીલ ગણાય.

ટ્રમ્પે કહ્યું હતું કે ચીને વિકાસશીલ હોવાના નામે બહુ લાભ લઈ લીધો છે, હવે આ ટ્રીક ચાલવાની નથી.ટ્રમ્પે ભારત માટે પણ કહ્યું હતુ કે ભારત જેવા દેશો વિકાસશીલ છે,તો આપણે પણ વિકાસશીલ જ ગણાઈએ.જોકે ટ્રમ્પનો મુખ્ય ટાર્ગેટ તો ચીન જ હતું. ટ્રમ્પે કહ્યું હતું કે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઈઝેશનની રાહતોનો ચીને બહુ લાભ લીધો છે,માટે આજે તેનું અર્થતંત્ર ફૂલ્યું નથી સમાતું.

પાકિસ્તાને એન્ટિ-મલેરિયા ડ્રગ્સની નિકાસ પર બ્રેક મારી

પાકિસ્તાને મલેરિયાને કાબુમાં લઈ શકતી દવાની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે.અમેરિકા અને યુરોપના સમૃદ્ધ દેશો કોરોના સામેની સારવારમાં એન્ટિ મલેરિયા દવાનો ઉપયોગ કરી રહ્યા છે.આ દવા આશાસ્પદ હોવાનું પણ કહેવાય છે.માટે પાકિસ્તાને હાલ તો દેશમાંથી આવી દવા બહાર ન જાય એ માટે નિર્ણય લીધો છે.પાકિસ્તાનમાં શુક્રવારે નવા ૧૯૦ કેસ સાથે કુલ સંખ્યા પોણા પાંચ હજારે પહોંચી હતી.

ભારતે બ્રિટનને 30 લાખ પેરાસિટામોલ આપી

ભારતે બ્રિટન માટે ૩૦ લાખ નંગ પેરાસિટામોલની ગોળી રવાના કરી છે.તેનો પ્રથમ જથ્થો બ્રિટનને રવિવાર સુધીમાં મળી જવાની શક્યતા છે.બ્રિટનના સાઉથ એશિયાઈ બાબતોના મંત્રી તારીક અહેમદે આ નિર્ણય માટે ભારતનો આભાર માન્યો હતો.રવિવારે કેટલાક બ્રિટિશ નાગરિકોને લઈને સ્પેશિયલ વિમાનો ભારતથી લંડન રવાના થવાના છે.આ વિમાનોમાં જ દવાનો જથ્થો ગોઠવી દેવાયો છે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here