ઇન્ડિયન પ્રીમિયર લીગ 2013,આ આઈપીએલની તે સીઝન હતી જેણે આખી દુનિયાને હચમચાવી નાખી હતી.આઈપીએલ 2013માં સ્પોટ ફિક્સિંગનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો હતો અને રાજસ્થાન રોયલ્સના ત્રણ મોટા ખેલાડીઓ એસ શ્રીસંત,અંકિત ચૌહાણ અને અજિત ચંદિલાને દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.જોકે, શ્રીસંતનો પ્રતિબંધ હવે ખતમ થવાના આરે છે અને આવતા મહિને તે મેદાનમાં પાછા ફરશે.જોકે,આ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ ક્રિકેટર અને ડાબોડી સ્પિનર હરમીતસિંહ કે જેમણે 2012માં ભારતને અંડર 19 વર્લ્ડકપ જીતાડ્યો હતો તેમણે એક સનસનીખેજ ખુલાસો કરીને તરખાટ મચાવી દીધો છે.
છોકરીઓ શ્રીસંતના ઓરડામાં રહેતી હતી
હરમિતસિંહે એક સ્પોટ વેબસાઈટને આપેલા વિશેષ ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે,હું જ્યારે રાજસ્થાન રોયલ્સ ટીમમાં સામેલ હતો ત્યારે શ્રીસંત હંમેશાં મને નજીક રાખતા હતા.મારો રૂમ હંમેશાં શ્રીસંતની બાજુમાં જ રહેતો હતો. હરમીતે જણાવ્યું કે,શ્રીસંત રાત-દિવસ પાર્ટી કરતો હતો અને તેમના રૂમમાં યુવતીઓ પણ આવતી હતી.ઇન્ટરવ્યુમાં હરમીતે જણાવ્યું કે, ‘તે સમયે તે ટીમમાં ફક્ત બે ટેસ્ટ ખેલાડીઓ રાહુલ દ્રવિડ અને શ્રીસંત હતા અને તે બંને મને પ્રેમ કરતા હતા.આવા વ્યક્તિઓ સાથે કોણ રહેવા તૈયાર ન થાય? પરંતુ શ્રીસંત પ્રત્યે મને વધુ લગાવ હતો અને તેના કારણે હું હંમેશાં તેમની બાજુવાળા રૂમમાં જ રહેવાનું પસંદ કરતો હતો.જેથી કોઈ અન્ય ખેલાડી મુશ્કેલીમાં ન આવે.
જ્યારે શ્રીસંતને 2013માં ધરપકડ કરવામાં આવી, ત્યારે સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું હતું કે મહિલા શ્રીસંતના રૂમમાં પ્રવેશ કરી રહી હતી. હરમિતે આ મુદ્દે પણ મોટો ખુલાસો કર્યો હતો.તેમણે કહ્યું, ‘શ્રીસંતના રૂમમાં કોણ આવે છે તેની સાથે મારે કંઈ લેવાદેવા નહોતું.જોકે,જ્યારે હું સવારે 6 કે 7 વાગ્યે જીમમાં જવા માટે નીકળતો હતો,ત્યારે પણ શ્રીસંત તેજ સમયે પાર્ટી કરતો હતો.મને ક્યારેય શંકા ગઈ ન હતી કારણ કે ધરપકડ કરવામાં આવેલા જીજુ જનાર્દને અમને જણાવ્યું હતું કે તે શ્રીસંતનો ભાઈ છે.તો કોણ તેના પર શંકા કરશે? તે હંમેશા શ્રીસંત સાથે રહેતો હતો અને તેની સાથે છોકરીઓ પણ રહેતી હતી.શ્રીસંત હોશિયાર અને જુવાન હતો અને તેની સાથે જયપુરમાં પણ છોકરીઓ હતી,જેથી મેં તેમના પર ક્યારેય શંકા ન કરી.
શ્રીસંતનું બિલ 2-3 લાખ રૂપિયા આવતું હતું
હરમીતસિંહે ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે,શ્રીસંત એટલી પાર્ટી કરતો હતો કે રૂમનું બિલ 2 થી 3 લાખ રૂપિયા આવતું હતું.તેમણે જણાવ્યું કે, ‘જ્યારે પણ અમે 2 અથવા 3 દિવસ ક્યાંક રોકાતા ત્યારે રૂમ સર્વિસ બિલ 2થી 3 લાખ રૂપિયા આવતું હતું. શ્રીસંત પોતાનો દારૂ જાતે ખરીદતો હતો,તે લોકોને દારૂ ભેટમાં આપતો હતો.મેં વિચાર્યું કે તે અમીર છે કારણ કે તેણે બે વર્લ્ડ કપ જીત્યા હતા અને ઘણી આઈપીએલમાં રમી ચૂક્યો હતો.અમારી શંકા ક્યારેય ફિક્સિંગ તરફ ન ગઈ.
જ્યારે વેબસાઈટે શ્રીસંતને હરમિતના દાવા પર સવાલો પૂછ્યા ત્યારે તેણે કહ્યું કે,હરમીત તેના પડોશમાં રહેતો હતો.શ્રીસંતે કહ્યું કે હરમીત ખૂબ મહેનત કરનાર ક્રિકેટર હતો.હું હંમેશાં આવા ક્રિકેટરોને ટેકો આપું છું.