ધાર્મિક વિધિથી ડાયાબિટીસ મટાડી દેવાની લાલચ આપી રૂા. 3.25 લાખ પડાવ્યા !

103

અમરેલી : વિજ્ઞાાન યુગમાં પણ લોકો સારવારમાં વિશ્વાસ રાખવાને બદલે અંધવિશ્વાસમાં સરી પડી ફસાઈ જાય છે.આવો જ એક વધુ બનાવ જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે બન્યો છે.એમાં આ ગામના એક યુવાનને ડાયાબિટિસનો રોગ હોવાથી તે મટાડી દેવાની લાલચ આપીને સાધુવેશે આવેલા ત્રણ તકસાધુઓએ રૂ.સવા ત્રણ લાખની માતબર રકમ પડાવી લઈ શીશામાં ઉતારી દેતા આ બાબતે ફરિયાદ થઈ હતી.જેના આધારે પોલીસે પગલા લઈ અમરેલીના કુંકાવાવ નાકા પાસેથી ત્રણ ગઠિયાઓને પકડી પાડી ઠગાઈમાં ગયેલા રૂપિયામાંથી દોઢ લાખ રોકડા, મોબાઈલ ફોન, વાહન સહિત રૂ. 4.60 લાખ નો મુદ્દામાલ કબજે લીધો હતો.ઘટનાની વધુ વિગત મુજબ જાફરાબાદના કડીયાળી ગામે ગત તા. 24 ફેબ્રુઆરી ના રોજ ગભરૂભાઈ જગાભાઈ સોલંકી એમના પરિવાર સાથે ઘરે હતા.એ સમયે સાધુવેશે આવેલા એક શખ્સ ગોપાલદાસબાપુ હોવાની ઓળખ આપી જુદી જુદી વાતચીત કરી હતી.આ દરમિયાન ગભરૂભાઈએ એમના દીકરાને ડાયાબિટીસ હોવાનું કહેતા આ ઠગસાધુએ આ રોગની દવા મારા ગુરૂ કરે છે અને એ પછી તે ગભરૂભાઈના મોબાઈલ નંબર લઈને જતો રહ્યો હતો.એ પછી એક માસ બાદ 22મી માર્ચના રોજ ગભરૂભાઈના દીકરાના ગોપાલના મોબાઈલ ફોનમાં ફોન હતો કે હું ગોપાલદાસબાપુના ગુરૂ બોલું છું. ડાયાબિટિસની સારવાર કરવાની વિધિ કરવા રૂ. 5100 સાથે લઈને એમને ચોટીલા બોલાવ્યા હતા આથી ત્યાં ગયા હતા.અને રૂ. 5100 આપ્યા હતા.આ નાણા આપ્યા બાદ ત્રણ દિવસ પછી તા. 25 માર્ચના રોજ ગભરૂભાઈના પુત્ર ભાવેશના ફોન નંબર પર ફોન આવ્યો હતો એમાં એક કહ્યું હતું કે ડાયાબિટીસ મટાડી દેવા માટે રૂ.પાંચ લાખ લઈને મોરબી હાઈવે પર વાકાનેર જકાત સર્કલે આવી જાઓ..આથી પુત્રની બિમારીમાંથી મુકત કરાવવાની લાલચમાં ગભરૂભાઈએ પોતાના તમામ દાગીના વેંચી અને એ ઉપરાંત સગા-સબંધીઓ પાસેથી ઉછીના લઈ રોકડ રકમનો મેળ કરીને ફોન આવ્યાના બીજા જ દિવસે રૂ. 3.25 લાખ લઈ વાકાનેર ગયા હતા.જયાં એક અજાણ્યા શખ્સે કાપડથી પેક કરેલી કાચની એક બોટલ આપી જણાવ્યુ હતુ કે ગુરૂજી તમારા ઘરે આવશે અને આ ધૂપ અને પેટી પોતાના હાથે ખોલી વિધિ કરશે. તેમ કહી આ શખ્સ રૂ. સવા ત્રણ લાખ લઈને જતો રહ્યો હતો.એ પછી ગુરૂ વિધિ માટે ઘરે ન આવતા મોબાઈલ ફોન કરી સંપર્ક કરવા પ્રયાસ કરતા ત્રણે ય શખ્સોના ફોન સ્વચ ઓફ આવતા હતા. જેથી આ ઠગની માયામાં છેતરાયા હોવાનું માલુમ પડયુ હતુ.આ પછી તા. 10મી એપ્રિલના રોજ ગભરૂભાઈએ જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી અમરેલીના કુંકાવાવ નાકા પાસેથી લોધિકા તાલુકાના ખીરસરા ગામના વિશાલનાથ જોગનાથ પઢિયાર , ડ્રાઈવિંગ કરતા વિહાનાથ ઉર્ફે ટિલિયો મીઠાનાથ પઢીયાર રહે.ધ્રાંગધ્રા તાલુકાના વાદીપરા હાલ ચોટીલા તાલુકાના રામપરા અને છુટક મજુરી કરનાર વિષ્ણનાથ વજાનાથ પઢિયાર વાદી રહેવાસી વાદીપરા તા.ધ્રાંગધ્રાને પકડી પાડયા હતા.અને તેઓ પાસેથી રૂ. 1,50,000 રોકડા, 3મોબાઈલ ફોન અને એક ફોરવ્હીલ મળી કુલ રૂ. 4,60,000 મુદામાલ કબજે લીધો હતો.

Share Now