ક્રૂડના સ્થાનિક ઉત્પાદન પર ટેક્સ લાદી સરકાર રૂ. 66,000 કરોડ વસૂલશે

31

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઇલના સ્થાનિક વેચાણને પોતાના અંકુશ હેઠળથી મુક્ત કર્યાના ૪૮ કલાકમાં તેના ઉપર વિન્ડફોલ ટેક્સ અને નિકાસ સેસ લાદ્યા છે.વધુમાં સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના પુરવઠાના ભાગે કેટલીક ખાનગી કંપનીઓએ વિદેશમાં તેની નિકાસથી’અસાધારણ નફો’કરતા કેન્દ્ર સરકારે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર ટેક્સ લાદ્યો છે.આ સાથે સરકાર સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર પ્રતિ ટન રૂ.૨૩,૨૫૦નો વધારાનો વિન્ડફોલ ટેક્સ નાંખ્યો છે.ગયા વર્ષે સ્થાનિક સ્તરે ક્રૂડના ૨.૯ કરોડ ટન ઉત્પાદનને ધ્યાનમાં લઈએ તો સરકારને વિન્ડફોલ ટેક્સથી રૂ.૬૬,૦૦૦ કરોડની આવક થશે.

સરકારે પેટ્રોલ અને વિમાનમાં વપરાતા ઈંધણ એટીએફની નિકાસ પર પ્રતિ લીટર રૂ.૬ અને ડીઝલની નિકાસ પર પ્રતિ લીટર રૂ.૧૩નો નિકાસ કર લાદ્યો છે,જેનો અમલ ૧લી જુલાઈથી શરૂ થઈ ગયો છે. એપ્રિલ ૨૦૨૨થી શરૂ થયેલા નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં ડીઝલની ૫૭ લાખ ટન અને પેટ્રોલની ૨૫ લાખ ટનની નિકાસના ટ્રેન્ડને વર્ષના બાકીના સમય માટે પણ ધ્યાનમાં લઈએ તો ક્રૂડ ઓઈલ ના ઉત્પાદન અને પેટ્રોલ-ડીઝલની નિકાસ પર સેસ લાદવાથી સરકારને કોરોનાકાળમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડયુટી પાછી ખેંચવાથી થયેલા રૂ.૧ લાખ કરોડનું નુકસાન સરભર થઈ જશે તેમ માનવામાં આવે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રોસનેફ્ટ નિયંત્રિત નાયરા એનર્જી જેવી ખાનગી કંપનીઓને સ્થાનિક બજારમાં પુરવઠો પૂરો પાડવાના બદલે વિદેશી બજારમાં તેની નિકાસ કરતી રોકવા સરકારે પેટ્રોલ અને ડીઝલ પર નિકાસ કરે છે.નિકાસ પર ટેક્સ લાદવાનો અર્થ એ છે કે સરકાર પેટ્રોલ,એટીએફ અને ડીઝલની નિકાસ ઘટાડવા માંગે છે.તેનો હેતુ સ્થાનિક બજારમાં પેટ્રોલ પંપ પર સપ્લાય વધારવાનો છે.હાલ ખાનગી રિફાઈનરીઓ સ્થાનિક સ્તરે ઈંધણ વેચવા કરતાં નિકાસ કરવાનું પસંદ કરે છે.આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ સામે સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડીઝલના રિટેલ ભાવ નીચા છે ત્યારે માર્કેટિંગ કંપનીઓ ભારે ખોટ કરી રહી છે,દેશમાં કેટલાક ભાગોમાં ડીઝલની અછત છે ત્યારે ક્રૂડ ઓઇલની પડતર મોંઘી થતાં સ્થિતિ વધારે બગડી શકે છે.

આંતરરાષ્ટ્રીય ભાવના આધારે ક્રૂડ ઓઈલ,એટીએફ અને ડિઝલ ઉપર લાદવામાં આવેલા નવા ટેક્સની દર પખવાડિયે સમીક્ષા કરવાની જાહેરાત દેશના નાણામંત્રી નિર્મલા સીતારામને કરી હતી.ક્રૂડના ભાવ વૈશ્વિક સ્તરે બેલગામ બની વધી રહ્યા છે ત્યારે અત્યારે અસાધારણ સમયગાળો છે.’અમે નિકાસને કોઇપણ રીતે રોકવા માંગતા નથી પણ સ્થાનિક બજારમાં પણ વિવિધ ચીજોની ઉપલબ્ધી વધવી જોઈએ,’એમ નાણામંત્રીએ જણાવ્યું હતું.ક્રૂડ ઓઈલ ઉપલબ્ધ નથી અને જંગી નફા સાથે તેની નિકાસ થઇ રહી છે તો તેનો એક હિસ્સો સ્થાનિક નાગરીકો માટે પણ હોવો જ જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.

Share Now