વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક પ્રતિકૂળ અહેવાલો પાછળ ફંડોની સતત નફરૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ૧૫૪૫ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૧.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૦૩૭.૧૮ સામે ૫૯૦૨૩.૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૯૮૪.૦૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૨૦૩૯.૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૪૫.૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૪૯૧.૫૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૧૭.૮૦ સામે ૧૭૫૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૦૧૧.૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૯૧.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૧૫.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૧૦૨.૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત કડાકા સાથે થઈ હતી. પ્રિ – બજેટ કરેકશન સાથે વૈશ્વિક મોરચે ફુગાવો – મોંઘવારીની સમસ્યા વધી રહી હોઈ અને કોરોના – ઓમિક્રોનના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર પડી રહી હોઈ વૈશ્વિક બજારોમાં ખાસ અમેરિકી બજારોમાં નાસ્દાકમાં આઈટી શેરોમાં સતત કડાકા બોલાઈ જવા સાથે ડાઉ જોન્સમાં પણ સતત ધોવાણના પરિણામે અને નેટફ્લિક્સ સહિતના વૈશ્વિક જાયન્ટ કંપનીઓના શેરોમાં ગાબડાં વચ્ચે ભારતીય શેરબજારમાં આજે સતત પાંચમા દિવસે આઈટી – સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ગાબડાં પડતાં અને  કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં નવેસરથી મોટાપાયે હેમરીંગ થવા સાથે પાવર – કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, હેલ્થકેર-ફાર્મા, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ વધુ ૧૫૪૫ પોઈન્ટ તૂટીને અને નિફટી ફ્યુચર ૫૧૫ પોઈન્ટ ગબડીને બંધ રહ્યા હતા. આમ છેલ્લા પાંચ દિવસમાં બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૪૦૦૦ પોઈન્ટ જેટલું અને નિફટીમાં ૧૧૦૦ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો.

વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ રહી છે. ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. ઓક્ટોબર માસથી સતત ચોથા મહિને એફઆઈઆઈ દ્વારા બજારમાં સતત વેચવાલી હાથ ધરાઈ રહી છે. આ અહેવાલોની વિદેશી રોકાણકારોના માનસ પર પ્રતિકૂળ અસર થતા તેઓએ ચાલુ માસમાં ભારતીય શેરબજારના ઇક્વિટી સેગમેન્ટમાંથી અંદાજીત રૂ.૧૫૫૬૩.૭૨ કરોડ પાછા ખેંચી લીધા છે. ઓક્ટોમ્બર માસમાં સેન્સેક્સ તેની ૬૨૨૪૫ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા બાદ વેચવાલીના ભારે દબાણે તે અત્યાર સુધીમાં ૪૭૫૩ પોઇન્ટ તુટીને ૫૮૦૦૦ પોઈન્ટની અંદર ઉતરી આવ્યો છે. જ્યારે નિફ્ટી ફ્યુચરે ૧૭૨૦૦ પોઈન્ટની સપાટી ગુમાવી દીધી છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૪.૪૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, મેટલ, બેઝિક મટિરિયલ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, સીડીજીએસ, ઈન્ડસ્ટ્રીયલ, એનર્જી, આઇટી, કેપિટલ ગુડ્સ અને ટેક શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૦૭૨ અને વધનારની સંખ્યા ૫૧૧ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯૧૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોવિડ-૧૯ના નવા ઓમિક્રોન વેરિયન્ટનું સંક્રમણ વધતા આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થતા વૃદ્ધિદર મંદ પડયો છે પરંતુ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ક્ષેત્રે ડિસેમ્બરમાં વિસ્તરણ ચાલુ રહ્યુ છે જે નવા કામકાજ અને ટકી રહેલા ઉત્પાદનને આભારી છે. જો કે, ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણની ચિંતાને પગલે ચાલુ માસમાં ઇક્વિટી માર્કેટમાં અસ્થિરતા વધી છે અને પરિણામે વિદેશી રોકાણકારોએ અંદાજે ૩ અબજ ડોલર પાછાં ખેંચી લીધા. જો કે બીજી બાજુ મ્યુ. ફંડો તે દરમિયાન રૂ. ૨૧,૯૨૨.૫ કરોડની નવી મૂડી ઠાલવી છે. ડિસેમ્બરમાં મોટાભાગના ઇમર્જંગી માર્કેટની કરન્સીઓ મજબૂત થઇ રહેલા અમેરિકન ડોલર સામે નબળી પડી હતી. જેથી મોટાભાગના અર્થતંત્રોની મધ્યસ્થ બેંકોએ વ્યાજદર વધારવાના સંકેત આપ્યા છે.

યુએસ ફેડ રિઝર્વ જેમ જેમ વ્યાજદરમાં વધારો કરવાની નજીક પહોંચશે તેમ તેમ ઉભરતા બજારોની કરન્સી અને શેરબજાર પર દબાણ આવતુ દેખાશે. વિશ્વ બેન્કે નવા રજૂ કરેલા ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટમાં જણાવ્યુ છે કે, કોરોના મહામારીનું સતત સંક્રમણ, નીતિગત સમર્થનમાં ઘટાડો. પુરવઠા મામલે સતત અવરોધોએ વૈશ્વિક વૃદ્ધિમાં તીવ્ર ઘટાડો કરી શકે છે જે સંભવિતપણે ઇમજગ માર્કેટોને પણ પ્રભાવિત કરી શકે છે. નાના અર્થતંત્રો અને મુશ્કેલીઓનો સામનો કરી રહી છે તેવી અર્થવ્યવસ્થાઓમાં ઉત્પાદન અને રોકાણ કોરોના પૂર્વેના સ્તરથી ઓછુ રહ્યુ છે. અહેવાલમાં જણાવ્યા મુજબ ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષે ૮.૩% અને આગામી બે વર્ષોમાં ૮.૭% અને ૬.૮% ના દરે વૃદ્ધિ પામે તેવી ધારણા છે.

Share Now