સિદ્ધાંત પાસેથી ડ્રગ ન પકડાતાં ઝડપ જામીન, આર્યન એક મહીનો જેલમાં રહ્યો હતો

67

મુંબઈ : એકટ્રેસ શ્રદ્ધા કપૂરનો ભાઈ અને એક્ટર શકિત કપૂરનો દીકરો સિદ્ધાંત બેંગ્લુરુમાં પાર્ટીમાંં ડ્રગ લેતાં ઝડપાયા બાદ જામીન પર છૂટયો છે.તે સાથે જ મુંબઈ એનસીબી પર ફરી એકવાર પસ્તાળ પડી છે.બેંગ્લુરુ પોલીસે સાફ સાફ જણાવ્યું છે કે સિદ્ધાંતને કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ અપાઈ નથી.પરંતુ નિયમ જ છે કે જે આરોપી પાસેથી ડ્રગ ના મળ્યું હોય તેને તત્કાળ જામીન મળી જાય છે.જ્યારે આવા જ સંજોગોમાં શાહરુખ ખાનના પુત્ર આર્યનને એક મહિના માટે જેલમાં ગોંધી રાખવામાં આવ્યો હતો.

બેંગ્લુરુના એમજી રોડ પર આવેલી એક વૈભવી હોટલના બારમાં ચાલતી નાઈટ પાર્ટી પર દરોડો પાડવામાં આવ્યો હતો.તેમાં ડિસ્ક જોકી તરીકે કામ કરવા ગયેલા સિદ્ધાંત કપૂર સહિત ૩૫ લોકોની અટકાયત કરવામાં આવી હતી.તમામના બ્લડના સેમ્પલ લેવાતાં હતાં સિદ્ધાતં સહિત છ લોકોએ ડ્રગનું સેવન કર્યાનું જણાઈ આવ્યું હતું.આથી સિદ્ધાંતની ધરપકડ કરાઈ હતી.સોમવારે રાતે સિદ્ધાંતને જામીન મળી ગયા હતા.જોકે,તેને તત્કાળ બેંગ્લુરુ છોડવાની પરમિશન અપાઈ ન હતી.વધુમાં તેને જરુર પડે પોલીસ મથકે હાજર રહેવા પણ જણાવાયું હતું.

સિદ્ધાંતને આટલા વહેલા જામીન કેવી રીતે મળી ગયા તે વિશે ખુલાસો કરતાં બેંગ્લુરુ પોલીસનાં સુત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધાંત પાસેથી તત્કાળ ડ્રગ મળ્યું નહીં હોવાથી તેને જામીન અપાયા છે.જોકે,તેણ ડ્રગનું સેવન કર્યું હોવાનું તેના બ્લડ સેમ્પલના પરીક્ષણમાં કન્ફર્મ થઈ ચૂક્યું છે.બેંગ્લુરુ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગે એનડીપીએસના કેસમાં જો આરોપી પાસેથી ડ્રગ ના મળ્યું હોય તો તેની કસ્ટડીમાં પૂછપરછ થતી નથી.પરંતુ,તપાસ દરમિયાન જ્યારે પણ જરુર પડે ત્યારે તેને બોલાવી લેવાય છે.આ જ વાત સિદ્ધાંતના કેસમાં પણ લાગુ પાડવામાં આવી છે તે સેલિબ્રિટી હોવાથી તેને કોઈ વિશેષ છૂટ અપાઈ રહી છે એવું નથી.

આ હકીકત બહાર આવ્યા પછી ઈન્ટરનેટ પર વધુ એક વખત લોકોએ મુંબઈ એનસીબી પર પસ્તાળ પાડી હતી.આર્યન ખાન પાસેથી પણ કોઈ ડ્રગ મળ્યું ન હતું.આમ છતાં પણ તેના પર ડ્રગ ટ્રાફિકિંગ તથા ડ્રગ ફાઈનાન્સને લગતી કલમો લગાડી એક મહિના સુધી જેલમાં ગોંધી રાખવામાં આવ્યો હતો.હાઈકોર્ટ સુધીની કાનૂની લડત બાદ તેને જામીન મળ્યા હતા અને હવે તો એનસીબીએ પણ કબૂલી લીધું છે કે આર્યન સામે કોઈ ગુનો બનતો જ નથી.

Share Now