14 વર્ષ અગાઉ ૨૫ હજારની લાંચ માગવાના કેસમાં CPWDના એન્જિનિયરને પાંચ વર્ષની કેદ

125

– પ્રતિષ્ઠિત વિભાગના ગૌરવને હાનિ પહોંચાડવા બદલ કડક સજા ફટકારવી જરૂરી : CBI કોર્ટ

અમદાવાદ : ભરૂચની સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટયુટના બાંધકામ અને અન્ય કામગીરીના બિલ પાસ કરાવવા માટે ૧૪ વષ પહેલાં રૂપિયા ૨૫ હજારની લાંચ માગવાના કેસમાં સી.બી.ડબલ્યૂ.ડી. (સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ)ના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરને અમદાવાદ સ્થિત સી.બી.આઇ. કોર્ટે પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યા છે.

આ કેસની વિગત એવી છે કે ભરૂચની સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટયુ કેન્દ્રીય સંસ્થા હોવાથી તેમાં બાંધકામનું કામ સી.પી.ડબલ્યૂ.ડી.ની દેખરેખ અને સત્તા હેઠળ થઇ રહ્યું હતું.આ બાંધકામ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.જો કે બાંધકામના બિલ પાસ કરાવવા માટે સી.પી.ડબલ્યૂ.ડી.ના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સુંદરલાલ જૈને રૂપિયા ૨૫ હજારની માગણી કરી હતી.

આ અંગે સી.બી.આઇ.એ ૧૦-૧૨-૨૦૦૭ના રોજ છટકું ગોઠવી આ એન્જિનિયરને લાંચ લેતા ઝડપ્યો હતો અને સી.બી.આઇ. કોર્ટ સમક્ષ ટ્રાયલ ચલાવવામાં આવી હતી.તમામ પુરાવાઓ અને સાક્ષીઓને તપાસી કોર્ટે નોંધ્યું છે કે આરોપી અધિકારીએ સી.પી.ડબલ્યૂ.ડી. જેવી સંસ્થાના ગૌરવને હાનિ પહોંચાડી છે. ભ્રષ્ટાચાર સામે સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે.

Share Now