ફેબુ્રઆરી- માર્ચ દરમિયાન શેરોમાં રોકાણકારોની સંપત્તિમાં 29.54 લાખ કરોડનું જંગી ધોવાણ

125

– ફોરેન ફંડોનું રૂ.68,000 કરોડના શેરોનું જંગી વેચાણ : બજેટ દિવસથી અત્યાર સુધીમાં સેન્સેક્સ 6715 પોઈન્ટ ઘટયો

મુંબઈ : વિશ્વને ભરડામાં લેનારા ફુગાવો-મોંઘવારી પરિબળ,યુક્રેન પર રશિયાના આક્રમણે જીઓપોલિટીકલ ટેન્શન અને એના પરિણામે ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત વધતાં રહેતાં ફેબુ્રઆરી મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારતીય શેર બજારોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશનમાં બજેટના દિવસ 2,ફેબુ્રઆરીની શરૂઆતથી ટૂંકા સમયગાળામાં જ રૂ.29 લાખ કરોડથી વધુ ધોવાણ થઈ ગયું છે.

આ સાથે સેન્સેક્સ પણ બજેટના દિવસ 2,ફેબુ્રઆરી 2022ની 59558.33ની સપાટીથી 6715.58 પોઈન્ટ તૂટીને આજે 7,ફેબુ્રઆરીના 52842.75ની સપાટીએ આવી ગયો છે.જે આજે ઈન્ટ્રા-ડે 2000 પોઈન્ટ જેટલો તૂટયા બાદ અંતે 1491.06 પોઈન્ટ ગબડીને 52863.75 અને નિફટી સ્પોટ 382.20 પોઈન્ટ તૂટીને 15863.15 બંધ રહ્યા હતા.

ફુગાવા-મોંઘવારીને ભડકાવનારા ક્રૂડ ઓઈલની આગ યુક્રેન પર રશિયાના 24,ફેબુ્રઆરીના આક્રમણ બાદ વધુ ભડકીને હવે બ્રેન્ટ ક્રૂડ 139 ડોલરની વર્ષ 2008 બાદની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી જતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડીને 77ની સપાટીએ પહોંચી જતાં 80 ટકા ઓઈલની આયાત પર નિર્ભર ભારતનું અર્થતંત્ર ડામાડોળ બનવાના અને કોર્પોરેટ ઈન્ડિયાની હાલત કફોડી બનવાના સ્પષ્ટ સંકેતોએ ભારતીય શેર બજારોમાં એફપીઆઈની સતત જંગી વેચવાલી થઈ રહી છે.

રોકાણકારોની સંપતિ જે 2, ફેબુ્રઆરી 2022ના રૂ.270.64 લાખ કરોડ હતું એ અત્યાર સુધીમાં રૂ.29.54 લાખ કરોડ ઘટીને આજે 7,ફેબુ્રઆરી 2022ના રૂ.241.10 લાખ કરોડ રહી ગયું છે.જેમાં આજે એક દિવસમાં વધુ રૂ.5.69 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે.

એફઆઈઆઈઝની ભારતીય શેર બજારોમાં સતત મોટાપાયે વેચવાલી ચાલુ રહી ફેબુ્રઆરી 2022 મહિનામાં રૂ.45720 કરોડ અને માર્ચ 2022માં અત્યાર સુધીમાં રૂ.22000 કરોડથી વધુ વેચવાલી સાથે કુલ રૂ.68000 કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ છે.શેરોમાં આજે-સોમવારે મેટલ-માઈનીંગ,ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની તેજી સિવાય બેંકિંગ-ફાઈનાન્સ,ઓટોમોબાઈલ,કન્ઝયુમર ડયુરેબલ્સ,રિયાલ્ટી,પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં મોટાપાયે વેચવાલી થઈ હતી.

Share Now