મહેસાણા : મહેસાણાના સાંથલ પોલીસ મથકમાં આજે એક મહિલા કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.સાંથલ પોલીસ મથકમાં ક્રાઇમ રાઇટર તરીકે ફરજ બજાવતા આશાબેન કાનજીભાઈ નામના મહિલા કોન્સ્ટેબલ 2500 રૂપિયાની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા હતા.મળતી માહિતી મુજબ મહિલા કોન્સ્ટેબલ ફરિયાદી નો મુદ્દામાલ છોડાવવા લાંચ માગી હતી.
સાંથલ પોલીસ મથકમાં પોલીસે જુગાર ધારા હેઠળ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.જેમાં પોલીસે આરોપીઓનો મુદ્દામાલ કબ્જે કર્યા હતા.એ છોડાવવા માટે આરોપી મહિલા કોન્સ્ટેબલે,ફરિયાદી પાસે રૂપિયા 2500ની લાંચ માંગી હતી,જ્યાં ફરિયાદીએ મહેસાણા અસીબી જે જાણ કરતા અસીબી એ છટકું ગોઠવ્યું હતું,જેમાં ફરિયાદી પાસેથી મહિલા પોલીસ કોન્સ્ટેબલે લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમ આવી પહોંચી હતી અને મહિલા કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે લાંચિયા સરકારી કર્મચારીઓને પકડવા માટે એસીબીએ પોતાની કવાયત તેજ કરી છે.તો સામે પક્ષે પબ્લિક પણ જાગૃત થઈ રહી છે જેના કારણ દરરોજ રાજ્યમાં જુદા જુદા ખુણે લાંચિયા અધિકારીઓ એસીબીની જાળમાં આબાદ પકડાઈ રહ્યા છે.તાજેતરમાં જ 24 માર્ચના રોજ એસીબીએ આવા જ એક સફળ ટ્રેપમાં લાંચ લેતા ત્રણ સરકારી કર્મચારીઓને ઝડપી પાડ્યા છે.એસીબી એ અરાવલી જિલ્લાના ધનસુરા ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (વર્ગ-2) હિતેન્દ્ર ફુલેત્રા, વિરાંજલી નર્સરી નવલપુરના કાયમી રોજમદાર (વર્ગ-4) વિક્રમ દેસાઈ અને કાયમી રોજમદાર (વર્ગ-4) રમેશ પરમારની ધરપકડ કરી છે.એસીબી એ આ ત્રણેયને ધનસુરા તાલુકાના વડાગામ ખાતે ચિત્રકલા સ્ટુડિયોની આગળ ચાની કિટલી પાસે લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.તો આ પહેલા સુરતમાં પણ વરાછામાં દારૂ સાથે ઝડપાયેલા બે શખ્સો પાસેથી ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલે પીઆઈના નામે રૂપિયા 1.45 લાખનો તોડ કર્યો હતો.એ પછી બાકીના પાંચ હજાર અને અન્ય આરોપીનું નામ ન લેવાના મામલે આ હેડ કોન્સ્ટેબલે વધુ 15 હજાર રુપિયા માગ્યા હતા.આખરે પોલીસની હેરાનગતિથી કંટાળીને શખ્સે ACBને લેખિતમાં ફરિયાદ કરી હતી.એ પછી જ્યારે હેડ કોન્સ્ટેબલ આ લાંચની રકમ લેવા આવ્યો ત્યારે ACBએ છટકુ ગોઠવીને તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.