મોબાઇલ, ફ્રીઝ, ટીવી ઉત્પાદકોએ પ્રોડક્શન ટાર્ગેટ 10 % ઘટાડયો

25

મુંબઇ : મહામારી બાદ મોંઘવારી અને મંદીની દહેશતે લોકો બિનજરૂરી ખર્ચમાં કાપ મૂકી રહ્યા છે.તો બીજી બાજુ વધતી મોંઘવારીને પગલે દેશમાં મોબાઇલ,ફ્રિજ,ટીવીની માંગ ઘટી રહી છે.જેને ધ્યાનમાં રાખી કંપનીઓએ વ્હાઇટ ગુડ્સ અને કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટના ઉત્પાદનમાં કાપ મૂકવાનું શરૂ કરી દીધુ છે.ઉદ્યોગ જગતના જાણકારોનું કહેવુ છે કે,મોંઘવારીને અને પ્રોક્શન કોસ્ટ વધવાને લીધે કિંમતોમાં સતત વૃદ્ધિથી ઇલે.પ્રોડક્ટ્સની માંગમાં ઘટાડો આવ્યો છે.તેને ધ્યાનમાં રાખતા ઘણી કંપનીઓએ જુલાઇ સુધીનો પ્રોડક્શન ટાર્ગેટ ૧૦ ટકા સુધી ઘટાડી દીધો છે.દેશની લગભગ મોટાભાગની મોબાઇલ કંપનીઓએ પોતાની ઉત્પાદન યોજનામાં ફેરફાર કર્યો છે જ્યારે કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક કંપનીઓ પોતાના ઇન્ટ્રી લેવલ મુજબ આગામી પ્રોડક્શન પ્લાનને અંતિમ રૂપ આપવામાં વ્યસ્ત છે.ઘણી અગ્રણી બ્રાન્ડ્સ માટે મોબાઇલ બનાવતી કંપની જૈના ગ્રૂપના મેનેંજિંગ ડિરેક્ટર પ્રદીપ જૈને કહ્યુ કે,ચાલુ વર્ષે મોબાઇલ ફોનના વેચાણમાં ૩૦ ટકાનો ઘટાડો આવ્યો છે.આથી કંપનીઓ પોતાના પ્રોડક્શન ટાર્ગેટમાં ૧૦ ટકાનો ઘટાડો કરી રહી છે.કંપનીઓનો ભાર લિક્વિડિટી સ્ટોક પર છે.તો કોન્ટ્રાક્ટ પર ઇલેક્ટ્રોનિક ગુડ્સ બનાવતી બે કંપનીના વડાએ જણાવ્યુ કે,તેમના મોબાઇલ ફોન કસ્ટમર પણ પ્રોડક્શનમાં કાપ મૂકી રહ્યા છે.લાઇટિંગ પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ પણ ઉત્પાદનમાં ઘટાડો કરી રહી છે.

ઓછા વેચાણને પગલે મોટાભાગની કંપનીઓ સાવચેત થઇ ગઇ છે અને પ્રોડક્શનમાં આઠથી ૧૫ ટકાનો કાપ મૂકી રહી છે.જાન્યુઆરીથી જ મોબાઇલ ફોનના વેચાણમાં ઘટાડો શરૂ થઇ ગયો છે અને પાછલા વર્ષની તુલનાએ માર્ચ ક્વાર્ટરમાં શિપમેન્ટમાં પાંચ ટકાનો ઘટાડો આવ્યો છે.જ્યારે કિંમત ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગઇ છે.સૌથી વધારે અસર રૂ.૧૦,૦૦૦થી ૩૦,૦૦૦વાળા સેગમેન્ટ પર થઇ છે જેનો મોબાઇલ માર્કેટમાં દબદબો છે.ઉદ્યોગ સંગઠને કહ્યુ કે,માંગ ઓછી હોવાથી વિવિધ બ્રાન્ડ્સ પોતાના પ્રોડક્શન પ્લાનની સમીક્ષા કરી રહી છે.સપ્લાયના મોરચે સ્થિતિ સુધરી રહી છે.જો બીજા છમાસિકમાં માંગમાં નોંધપાત્ર વૃદ્ધિ નહીં થાય તો ચાલુ વર્ષ સ્માર્ટફોન ઉદ્યોગ માટે પડકારજનક રહેશે.પ્રાથમિક અંદાજ મુજબ છેલ્લા એક વર્ષમાં દેશમાં મોબાઇલ ફોન,ટીવી,ફ્રીજ અને વોશિંગ મશીનની કિંમતોમાં નવથી ૧૫ ટકાનો વધારો થયો છે.કમ્પોનન્ટ્સ,ઇનપુટ અને લોજિસ્ટિક્સ કોસ્ટમાં વૃદ્ધિથી કંપનીઓએ તેમની પ્રોડક્ટ્સના ભાવ વધાર્યા છે.મોંઘવારીની અસર ડયુરેબલ્સ ઇન્ડસ્ટ્રીઝ પર થઇ રહી છે.સરકારે ફુગાવાનો સામનો કરવા માટે જે પગલાં ઉઠાવ્યા છે તેનાથી મદદ તો મળી છે પરંતુ સમસ્યા દૂર થઇ નથી.ઉપરાંતચીનમાં કોરોના મહામારીનું સંક્રમણ ફરી વધતા ત્યાં કડક લોકડાઉન લાદવામાં આવતા પ્રોડક્શન પર માઠી અસર થઇ છે.આવી સ્થિતિ આગામી એક-બે મહિના સુધી રહી શકે છે.ત્યારબાદ તહેવારોની સિઝનમાં માંગ-વેચાણ વધવાની અપેક્ષાએ કંપનીઓ પ્રોડક્શન વધારી શકે છે.

Share Now