રાજ્યમાં કોવિડના વધતા કેસો વચ્ચે મુંબઈમાં ઘટાડાની રાહત

30

મુંબઈ : રાજ્યમાં એકતરફ કોવિડના કેસો સતત વધી રહ્યા છે ત્યારે મુંબઈ છેલ્લા કેટલાક દિવસથી કેસો સતત ઘટી રહ્યા હોવાનું નોંધાયું છે.રાજ્યના આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિત અનુસાર મુંબઈમાં છેલ્લા સાત દિવસ દરમ્યાન કેસોમાં ૧૧.૪૩ ટકા ઘટાડો નોંધાયો છે.ડાટા મુજબ જૂન ૧૪થી ૨૦ દરમ્યાન ૧૪,૦૮૯ કોવિડ કેસો નોંધાયા હતા જ્યારે ૨૧થી ૨૭ જૂન દરમ્યાન ૧૨,૪૭૯ કેસો નોંધાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કોવિડ ટેસ્ટીંગમાં પણ ઘટાડો થયો હોવાથી ઘટતા કેસ વિશે કોઈપણ નિષ્કર્ષ પર આવવું થોડુ વહેલું છે.

વરિષ્ઠ ડોકટરોના મતે કેસો સ્થિર થયા હોવા છતાં આગામી બે સપ્તાહો દરમ્યાન સતર્ક રહેવાની જરૃર છે.હજી ઉછાળો આવવાની શક્યતા છે.નાગરિકોએ ચેપથી બચવા ચુસ્તપણે કોવિડના નિયમોનું પાલન કરવું જોઈએ.ડોકટરોએ જણાવ્યું કે માત્ર બે દિવસથી કેસો સ્થિર થયા હોવાથી સંક્રમણ ઘટયું છે એમ ન કહી શકાય.આવો જ ઘટાડો હજી થોડા અઠવાડિયા સુધી રહે તો આપણે રાહતનો શ્વાસ લઈ શકીએ.

આરોગ્ય નિષ્ણાંતોના મતે કોવિડનો હાલનો વેરિયન્ટ હળવા લક્ષણો સર્જે છે.નવા વેરિયન્ટથી હોસ્પિટલાઈઝેશન અને મોતના કેસોની સંખ્યા મર્યાદિત જ રહી છે.મોતના મોટાભાગના કિસ્સા કોમોર્બિડ દરદીઓમાં જ બની રહ્યા છે.ફેફસાની અથવા અન્ય કોઈ ગંભીર બીમારી ધરાવતા દરદીઓમાં જ કોવિડ ગંભીર સ્થિતિ સર્જે છે.રાજ્યના સર્વેલન્સ અધિકારી ડો.પ્રદિપ અવાટેએ જણાવ્યું કે કોવિડ કેસોનો ટ્રેન્ડ સ્થિરતાનો સંકેત આપી રહ્યો છે પણ વાયરસના સંક્રમણની લાક્ષણિકતા નક્કી કરવા હજી બેથી ત્રણ અઠવાડિયાનો સમય લાગશે.

ડો.અવાટેએ જણાવ્યું કે હાલ વાયરસનું સંક્રમણ રાજ્યના અમુક જિલ્લા પૂરતુ મર્યાદિત રહ્યું છે અને મોટાભાગ વધુ અવરજવર હોય તેવા શહેરોમાં વધુ કેસો બની રહ્યા છે.હાલ કોવિડના કેસોમાં આવેલા ઉછાળામાં ઓમિક્રોનનો નવો વેરિયન્ટ જ કારણભૂત માનવામાં આવે છે.પણ વેક્સિનને કારણે ગંભીરતા ઓછી રહી છે અને ચેપ પણ સીમિત રહ્યો છે.રાજ્યની કોવિડ ડેથ ઓડિક કમિટીના વડા ડો.અવિનાશ સુપેએ જણાવ્યું કે આવા ઉછાળા અવારનવાર આવી શકે છે.પણ હજી સ્થિતિ ચિંતાજનક નથી.મોટાભાગના કેસો અન્ય ગંભીર બીમારી ધરાવતા વરિષ્ઠ નાગરિકો બની રહ્યા છે.

Share Now