રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૪.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૬૫.૯૪ સામે ૪૯૩૬૦.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૬૯૮.૦૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૭૧.૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૮૩.૫૮ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૭૮૨.૩૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૩૨.૨૫ સામે ૧૪૮૦૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૬૬૦.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૯.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૧.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૯૩૨.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
દેશભરમાં કોરોના વિસ્ફોટ થતાં હેલ્થ કટોકટીની સર્જાયેલી આ પરિસ્થિતિમાં આર્થિક મોરચે ભારતે મોટી કિંમત ચૂકવવી પડે એવા સ્પષ્ટ સંકેત સાથે ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆતથી સતત જોવા મળેલી તેજી બાદ આજે ફંડોએ ઓફલોડિંગ કરીને કડાકો બોલાવી દીધો હતો. કોરોનાના કહેરે દેશનું અર્થતંત્ર પડી ભાંગવાની સ્થિતિમાં આવી જવાની અગમચેતી જાણી ફંડો, મહારથીઓએ આગામી દિવસોમાં વધુ લાંબો સમય લોકડાઉનની ફરજ પડવાની શકયતાને ધ્યાનમાં લઈ તેજીનો મોટો વેપાર આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરો પાછળ હળવો કર્યો હતો.
કોરોના બીજી લહેરમાં ધારણા બહાર વિફરતાં અને ઘરે ઘરે કોરોનાના અનેક કેસોનો વિસ્ફોટ થતાં દેશ ગંભીર કટોકટીમાં ઘેરાઈ ગયાના સ્પષ્ટ આંકડાઓને લઈ ફંડોએ આજે શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાવી દઈ મોટી મંદીના સંકેત આપી દીધા હતા. આર્થિક મોટી કટોકટીમાં દેશ ધકેલાઈ જવાની શકયતાએ દેશની બેંકોની હાલત આગામી દિવસોમાં વધુ કફોડી બનવાના સંકેતે આજે ફંડોએ શેરોમાં સાર્વત્રિક મોટી વેચવાલી કરી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, યુટિલિટીઝ, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૯૦ અને વધનારની સંખ્યા ૧૩૫૪ રહી હતી, ૧૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં લાંબા સમયથી અવિરત તેજી બાદ તેજીનો અતિરેક થઈ રહ્યો છે. કોરોના મહામારીથી ભારતમાં ફરી લોકડાઉનની ભીતિ ઊભી થતાં આગામી દિવસોમાં પરિસ્થિતિ વિકટ બનવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં પણ ફંડો – દિગ્ગજોએ બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે. કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ અત્યારે ત્રસ્ત છે ત્યારે આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છે. આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે.
ભારતીય શેરબજારમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત વેચવાલ રહ્યા બાદ હવે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારોમાં છેલ્લા બે સપ્તાહથી શેરોમાં વિક્રમી તેજીને વિરામ આપીને ફંડોએ તેજીનો વેપાર હળવો કરવા લાગ્યા છે જેને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં ફોરેન ફંડોની વેચવાલી વધવાના સંજોગોમાં બે તરફી અફડા તફડી વધવાની પૂરી શક્યતા રહેશે.