રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૬.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૨૭૫.૫૭ સામે ૫૨૪૦૧.૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૭૧૭.૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૨૯.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩૩.૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૧૯૪૧.૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૬૮.૬૦ સામે ૧૫૭૭૮.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૫૯૪.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૯.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૬૬૮.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેરમાં અનેકને અસર બાદ આ લહેર ધીમી પડીને હવે કેસો ઘટવા લાગતાં એક તરફ વિવિધ રાજયોમાં અનલોકની તૈયારી થવા લાગતાં અને બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજના પગલાં લેવાની શરૂઆત સાથે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. લોકડાઉનથી દેશ હવે ફરી અનલોક તરફ વળતાં દેશ આર્થિક પટરી પર ફરી સવાર થઈ રહ્યો હોઈ આગામી દિવસોમાં આર્થિક વિકાસે વેગ મળવાની અપેક્ષા સામે ભારતીય શેરબજારમાં આજે વિક્રમી તેજીની દોટને બ્રેક લાગી હતી.
ભારતીય શેરબજારમાં ઘણા દિવસોથી ઓવરબોટ પોઝિશનની પરિસ્થિતિ હોઈ આજે સતત બીજા દિવસે ફંડો, મહારથીઓ દ્વારા સેન્સેક્સ-નિફટી બેઝડ નરમાઈએ ઈન્ડેક્સ બેઝડ ઉછાળે ઓફલોડિંગ કર્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકામાં ફુગાવાની ચિંતા અને ટેક્ષ મામલે ચિંતાને લઈ અમેરિકી શેરબજારોમાં નરમાઈ સાથે વૈશ્વિક બજારોમાં સાવચેતીની જોવા મળી હતી. આર્થિક મોરચે આગામી દિવસોમાં મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ આજે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૩ અને વધનારની સંખ્યા ૧૪૫૩ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નાં બીજા ભાગમાં પ્રવૃત્તિની ગતિને ધીમી પાડી દીધી છે. વિશ્વ બેન્ક દ્વારા વર્ષ ૨૦૨૧માં ભારતીય અર્થતંત્રમાં ૮.૩% અને વર્ષ ૨૦૨૨માં ૭.૫%નાં દરથી વિકાસ થવાનું અનુમાન લગાવ્યું છે. જ્યારે, વિશ્વ બેન્કે વર્ષ ૨૦૨૩માં ભારતીય અર્થવ્યવસ્થામાં ૬.૫% ની વૃધ્ધીની આશા વ્યક્ત કરી છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા પણ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ભારતની વૃદ્ધિનું અનુમાન ૧૧%થી ઘટાડીને ૯.૫% કર્યું છે.
કોવિડ – ૧૯ રોગચાળાની બીજી લહેરએ સ્થાનિક વપરાશ અને રોકાણને અસર કરી છે. ખાનગી વપરાશ અને રોકાણ – જેના પર આ કોરોના રોગચાળાનો કહેર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે, બીજી લહેરનાં કારણે આ અનુમાનમાં સુધારો કરવામાં આવ્યો છે. ચોમાસું દેશના અન્ય ભાગોમાં આગળ વધવાના અને મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના અહેવાલ સાથે ચાલુ વર્ષે ચોમાસું સફળ રહેવાના અંદાજોએ આગામી સપ્તાહમાં ચોમાસાની પ્રગતિ પર નજર અને ઔદ્યોગિક ઉત્પાદન અને મેન્યુફેકચરીંગ પ્રોડકશનના એપ્રિલ ૨૦૨૧ના આંકડા ૧૧,જૂન ૨૦૨૧ના જાહેર થનારા હોઈ એના પર ભારતીય શેરબજારની નજર રહેશે.