વલસાડ : ફિલ્મી સીન સર્જાયો : ગૌરક્ષક હાર્દિક કંસારાને કચડી ભાગેલો અકરમ ખાડીમાં કૂદી જતા મોત

35

વલસાડ : વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 17 મી જૂનની મોડી રાત્રે ગૌરક્ષક હાર્દિક કંસારાના મોત મામલામાં વધુ એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે.ઘટનાના ચાર દિવસ બાદ ગૌરક્ષક હાર્દિક કંસારા પર ટેમ્પો ચડાવી મોત નીપજાવી ચાલુ ટેમ્પોએ બામ ખાડીના પુલ પરથી કુદી ફરાર થઈ જનાર ગૌતસ્કર અકરમનો મૃતદેહ પુલની નીચેથી પસાર થતી બામ ખાડીમાંથી મળી આવ્યો છે.મૃતકના મૃતદેહને તેના સાથી આરોપીઓએ પણ ઓળખી બતાવ્યો છે.જોકે તે દિવસે હાઇવે પર બનેલી આ ઘટનાના વીડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે.

બનાવની વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા અને ગૌરક્ષક એવા હાર્દિક કંસારાને ગઈ 17મી જૂન ના રોજ મોડી રાત્રે ગૌ તસ્કરી થઈ રહી હોવાની બાતમી મળી હતી.મેસેજ મળતા જ ગૌરક્ષક હાર્દિક કંસારા તેમના અન્ય સાથી મિત્રો સાથે પોતાની કારમાં તસ્કરોના ટેમ્પોનો પીછો કર્યો હતો.આ દરમિયાન ગૌતસ્કરોએ ટેમ્પોને અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પૂર ઝડપે દોડાવી ફરાર થઈ જતાં ગૌરક્ષકોએ પોલીસને પણ જાણ કરી હતી.આથી ફરાર થયેલા ગૌતસ્કરોના ટેમ્પોનો પીછો કરવા નજીકમાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસની 4 ગાડીઓ પણ ટેમ્પો ની પાછળ પડી હતી.આમ મોડી રાત્રે વરસતા વરસાદમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગૌ તસ્કરો,ગૌરક્ષકો અને પોલીસ ની ટીમો વચે ફિલ્મી ઢબે 10 કિલોમીટરથી વધુ લાંબી રેસ જામી હતી.

આ બનાવ ના લાઈવ દ્રશ્યોનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.જોકે ચોકાવનારી વાત એ છે કે ગાયો ભરી અને ફરાર થઈ રહેલા ગૌતસ્કર ટેમ્પો ચાલકે બામ ખાડીના પુલ પર ટેમ્પો રોકવા ઉભેલા ગૌરક્ષક હાર્દિક કંસારા પર ટેમ્પો ચડાવી તેનું મોત નીપજાવી,ટેમ્પોચાલક અકરમ ચાલુ ટેમ્પોએ નીચે કૂદી અને ખાડીના પુલ પરથી રાતના અંધકારમાં નીચે છલાંગ લગાવી અને ફરાર થઈ ગયો હતો.જોકે, ગૌરક્ષા કરતાં ગૌરક્ષક હાર્દિક કંસારાએ પોતાનો જીવ ગુમાવતા સમગ્ર જિલ્લાના જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકો માં રોષ વ્યાપી ગયો હતો.જોકે વલસાડ જિલ્લા પોલીસ એ માત્ર 24 કલાકમાં જ ગૌ તસ્કરીના રેકેટમાં અને આ ઘટનામાં સંડોવાયેલા 10 આરોપીઓને મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે.ત્યારે બનાવના ચાર દિવસ બાદ આ ઘટનામાં મુખ્ય આરોપી અને ગૌરક્ષક હાર્દિક કંસારાનું મોત નીપજાવી ફરાર થઈ ગયેલા ટેમ્પોચાલક અક્રમનો પણ મૃતદેહ મળી આવતા હવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

મહત્વપૂર્ણ છે વલસાડ જિલ્લામાં અગાઉ પણ ગૌતસ્કર ટોળકીઓ મોડી રાત્રે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા ગાયોને અને ગૌવંશને ક્રૂરતાપૂર્વક વાહનોમાં ઉઠાવી અને કતલખાને લઈ જવાના બનાવો અનેક વખત પોલીસ ચોપડે નોંધાયેલા છે.ક્રૂર માનસિકતા ધરાવતા ગૌતસ્કરો એ અગાઉ પણ પીછો કરી અને રોકવા ઊભેલી પોલીસની ટીમો પર પણ વાહનો ચડાવી અને જીવલેણ હુમલો કરવાના પ્રયાસો પણ કરી ચૂક્યા છે.તેના ગુના પણ નોંધાઈ ચૂકયા છે,ત્યારે બેફામ બનેલી ગયેલા ગૌ તસ્કર ટોળકીએ આખરે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા અને ગૌરક્ષક હાર્દિક કંસારાનું મોત નીપજાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ જવાની આ ઘટના ને પોલીસે ગંભીરતાથી લીધી છે.અને જિલ્લામાં ચાલી રહેલા ગૌ તસ્કરી ના રેકેટનો પર્દાફાશ કરી તમામ દિશામાં તપાસ તેજ કરી છે.આ કેસમાં અત્યાર સુધી 10 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે અને અગિયારમા આરોપી મૃતદેહ પાણીમાંથી મળી આવતા પોલીસે હવે જ આ મામલે તેના મૃતદેહનું પીએમ કરાવવા સહિત ની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Share Now