રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૨.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૦૬૪.૮૭ સામે ૫૭૩૬૫.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૩૪૬.૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૯૯.૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૧૯.૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૬૮૪.૭૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૩૩.૬૦ સામે ૧૭૧૧૮.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૧૦૦.૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૯.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૧.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૨૩૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોની આક્રમક તેજીના સથવારે મજબૂતીએ થઈ હતી. ઈન્ડેક્સ બેઝડ ધોવાણ અટકાવવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં ફંડોએ આજે મોટાપાયે ખરીદી કરતાં અને આ સાથે મેટલ અને એનર્જી શેરોની આગેવાનીએ અને પસંદગીના બેન્કેક્સ – ફાઈનાન્સ અને ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓના શેરોમાં તેજી કરી હતી. ફંડોએ આ સાથે ઓટો શેરો તેમજ બેઝિક મટિરિયલ્સ શેરોમાં પણ તેજી કરી હતી. વૈશ્વિક મોરચે જર્મની, ઓસ્ટ્રિયા, ફ્રાંસ સહિતના દેશોમાં કોરોના સંક્રમણમાં ફરી વધારો થવા લાગતાં અને લોકડાઉનની સ્થિતિ ઊભી થતાં વૈશ્વિક અર્થતંત્રને ફટકો પડવાના અંદાજો સાથે ફુગાવો – મોંઘવારી વિશ્વને હચમચાવી રહ્યો હોઈ વિશ્વભરમાં વધતાં ફયુલ-એનર્જીના ભાવને લઈ અમેરિકા, જાપાન, ભારત સહિતના દેશોએ ક્રુડનો રિઝર્વ સ્ટોક છુટ્ટો કરવાનું જાહેર કરતાં પોઝિટીવ અસર જોવા મળી હતી.
વૈશ્વિક મોરચે ફુગાવા – મોંઘવારીનું પરિબળ સતત જોખમી બની રહ્યું હોઈ આગામી દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર પર મોટી નેગેટીવ અસરની શકયતા વચ્ચે એક તરફ વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં સતત વેચવાલ બની રહ્યા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં ખરીદી ચાલુ રાખીને આજે ઈન્ડેક્સ મેનેજ કરીને જર્મનીમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારા સાથે મૃત્યુ આંક એક લાખને પાર થઈ જતાં વૈશ્વિક ચિંતા વધતાં છતાં ફંડો તેજી કરતા ભારતીય શેરબજાર દિવસની ઊંચાઈએ બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૪૭ અને વધનારની સંખ્યા ૧૯૦૯ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ નવેમ્બર માસમાં ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ અંદાજીત ૪% તુટયા છે. પ્રર્વતમાન સંયોગો જોતા શરૂ થયેલા ડિસેમ્બર માસમાં પણ બજારમાં વોલેટાલિટી યથાવત રહે તેમ મારૂ માનવું છે. નવેમ્બર માસ દરમિયાન વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના નવા વેરીએન્ટના કારણે પુન:લોકટાઉનનો અમલ વિવિધ દેશોમાં ઉંચો ફુગાવો, ક્રૂડના ભાવમાં ઉછળકૂદ, હળવી નાણાંનીતિ પર બ્રેક વાગવાની સંભાવના સહિત ઘરઆંગણે વિદેશી રોકાણકારોની સતત વેચવાલી સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલોની બજાર પર અસર જોવા મળી હતી. ગત સપ્તાહમાં સેન્સેક્સમાં ૨.૭૩%નું અને નિફ્ટીમાં ૨.૯૭%નું ગાબડું નોંધાયું હતું. જ્યારે પૂરા માસ દરમિયાન સેન્સેક્સમાં ૩.૭૮ અને નિફ્ટમાં ૩.૯૦%નું ગાબડું નોંધાયું હતું.
આગામી દિવસોમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા તેના બોન્ડ બાઈંગ પ્રોગ્રામમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાશે. આ ઉપરાંત કોરોનાના નવા બેરીએન્ટના કારણે આગામી સમયમાં વિવિધ દેશોમાં પ્રતિકૂળતા વધવાના એંધાણ છે. આ ઉપરાંત ફુગાવાના મોરચે પણ ખાસ ઝડપી રાહત થવાની શક્યતા ઓછી છે. આ બધી પ્રતિકૂળતા જોતા નવા માસમાં પણ વિદેશી રોકાણકારોની વેચવાલી સાથે ચાલુ ડિસેમ્બર માસમાં પણ બજારમાં વોલેટાલીટી જારી રહેવાની સંભાવના છે. આ સંજોગોમાં રોકાણકારોએ સાવચેતી જરૂરી બની રહેશે.