ગાંધીનગર,તા.૨૬
નીતિન પટેલ બજેટ રજૂ કરે તે પહેલાં વિધાનસભામાં એક કલાકનો પ્રશ્નોતરીકાળ રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસે ખેડૂતોના નુકસાનની સહાય સહિત વિવિધ પ્રશ્નો પુછયા હતા. તો ખેડૂતોની આત્મહત્યા અંગેનો સવાલ પણ વિધાનસભામાં પુછવામાં આવ્યો હતો. વિવિધ પ્રશ્નોનાં સરકારે જવાબ આપ્યા હતા. ખેડૂતોની આત્મહત્યા, પાક વીમા કંપનીઓની ફરિયાદ, ખેડૂતોનાં નુકસાનની ચૂકવણી સહિત અનેક સવાલોનાં સરકારે લેખિતમાં જવાબ આપ્યા હતા.
પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિમંત્રીને ૨૦૧૯ના કમોસમી વરસાદને કારણે થયેલા ખેતીના પાકોમાં થયેલા નુકસાન અંગે પણ પ્રશ્ન પૂછયો હતો. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રૂ.૨૫ હજાર કરોડની નુકસાની સામે રૂ.૧૨૨૯ કરોડની જ સહાય ચૂકવી હોવાનો ખુલાસો થયો હતો.
પ્રશ્નોતરીકાળ દરમિયાન રાજ્યમાં ખેડૂતોના આપઘાતના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. દેવભૂમિ ગ્દારકામાં ૨ વર્ષમાં ૪ ખેડૂતોનો આપઘાત, જૂનાગઢમાં ૨ વર્ષમાં ૩ ખેડૂતનો આપઘાત, પોરબંદરમાં ૧, સાબરકાંઠામાં ૧ ખેડૂતનો આપઘાત જ્યારે સુરેન્દ્રનગર અને અમરેલીમાં ૨ ખેડૂતોએ આપઘાત કર્યો હોવાનું સરકારે જાહેર કર્યું હતું.
રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમને કરોડોની આવક છતાં ખોટ યથાવત હોવાનું પણ સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૨૩૧૭ કરોડની આવક સામે રૂ.૮૬૬ કરોડની ખોટ થઈ હતી. વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ.૨૫૪૦ કરોડની આવક સામે રૂ.૧૦૧૭ કરોડની ખોટ થઈ હતી. વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ.૨૨૪૯ કરોડની આવક સામે રૂ.૭૪૮ કરોડની ખોટ વાહન વ્યવહાર નિગમને થઈ હતી.
વીમા કંપનીઓ સામે ખેડૂતોએ બાંયો ચઢાવી આંદોલનોની વણઝાર લગાવી હતી. પણ વિધાનસભામાં વીમા કંપનીઓને લઈ ચોંકાવનારી માહિતી સામે આવી હતી. છેલ્લા બે વર્ષમાં વીમા કંપની સામે છેતરપીંડીની કોઇ ફરિયાદ નહીં હોવાનું સરકારે જણાવ્યું હતું. વીમા કંપનીએ ખેડૂત સાથે છેતરપીંડી કરી હોય એવી સરકારને ફરિયાદ જ ના મળી હોવાનો સરકારે જવાબ રજૂ કર્યો હતો. જો કે વીમા કંપનીએ બેદરકારી દાખવી હોય એવી સરકારને ૧૨ ફરિયાદો મળી છે. અને આ માટે સરકારે માત્ર માર્ગદર્શિકા મુજબ કામ કરવા વીમા કંપનીઓને સૂચના આપી છે. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં ઋત્વિક મકવાણાના પ્રશ્નમાં સરકારે આ જવાબ આપ્યો હતો.
બીપીએલ કાર્ડધારકોના એક પ્રશ્નનાં જવાબમાં સરકારે જવાબ આપતાં જણાવ્યું કે, રાજ્યનાં ચાર જિલ્લાઓમાં બીપીએલ કાર્ડ ધારકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. અમરેલી, બનાસકાંઠા, અમદાવાદ અને પાટણમાં બીપીએલ કાર્ડ ધારકોની સંખ્યા વધી છે. સરકારનાં ગરીબી દૂર કરવાના દાવાઓ વચ્ચે ગરીબોની સંખ્યામાં વધારો થોયો છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ચાર જિલ્લામાં ૩૬૩૫ બીપીએલ ધારકોનો વધારો થયો હતો. સૌથી વધારે અમરેલી જિલ્લામાં ૨૭૮૦ બીપીએલ ધારકો વધ્યા છે.
છેલ્લા ૨ વર્ષમાં રાજ્ય સરકારે સરકારી કાર્યક્રમો માટે એસટી બસો ભાડે લીધી તેની માહિતી પણ જાહેર કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮માં રૂ.૬૫.૨૧ લાખના ભાડા સામે રૂ.૪૬.૨૧ લાખ સરકારે ચૂકવ્યા હતા. વર્ષ ૨૦૧૮ના ભાડા પેટે રૂ. ૧૯ લાખની ચુકવણી બાકી છે. વર્ષ ૨૦૧૯માં રૂ.૧.૯૫ કરોડના ભાડા સામે રૂ.૧.૧૧ કરોડ સરકારે ચૂકવ્યા છે તો વર્ષ ૨૦૧૯ના ભાડા પેટે રૂ.૮૪ લાખ ચૂકવવાના હજુ બાકી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના સવાલમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો.
અમદાવાદની આરટીઓ કચેરીમાં મહેકમ ખાલી હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે. સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં મંજૂર થયેલું મહેકમ ૨૧૯ સામે ૧૩૬ સ્ટાફ ભરાયેલો હોવાનો સ્વીકાર કર્યો છે તો ૮૩ જગ્યાઓ ખાલી હોવાનું સરકારે સ્વીકાર કર્યો છે. આજ રીતે વસ્ત્રાલ આરટીઓમાં મંજૂર થયેલી ૬૧ જગ્યાઓ સામે ૩૭ જગ્યાઓ જ ભરાયેલી હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો છે જ્યારે વસ્ત્રાલ આરટીઓમાં ૨૩ જગ્યાઓ ખાલી હોવાનો લેખિત જવાબ આપવામાં આવ્યો છે.